વરસાદનું સાપ્તાહિક ભવિષ્ય

ચોમાસાના દિવસો નજીક આવે છે, ત્યારે ખેડૂતોની નજર આકાશ ઉપર રહેતી હોય છે. વરસાદ ક્યારે આવે વાવણી ક્યારે થશે. તેથી હવામાન ઉપર ખેડૂતોની મીટ હંમેશા મંડાતી હોય છે. આજની આ મહત્વની પોસ્ટમાં ચોમાસા દરમિયાન વરસાદનું સાપ્તાહિક ભવિષ્ય એટલે કે ચોમાસાના દિવસો દરમિયાન કયા વારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તો વરસાદ થશે કે નહીં એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું.

વરસાદનું અનુમાન

મિત્રો ચોમાસાની શરૂઆત થાય, ત્યારે હવામાનની એક અલગ જ પેટન જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને પવનની ઝડપ ધીરે ધીરે ઓછી થતી જાય અને હવામાં ભેજનું પ્રમાણ વધવાથી બફારાનો માહોલ ઊભો થતો હોય છે. આવું હવામાન પકડાય ત્યારે નજીકના દિવસોમાં વરસાદનું આગમન થશે એવું માનવું.

આજની આ પોસ્ટમાં ચોમાસા દરમિયાન દરેક વારે કેવું હવામાન જોવા મળે તો વરસાદ કેવો થશે? એ વાત કરતા પહેલા થોડીક બીજી વાત કરી લઈએ. કે ચોમાસામાં કેવી પરિસ્થિતિ જોવા મળે તો વરસાદ થશે જ એવું નક્કી માની લેવું.

મિત્રો પ્રાચીન શાસ્ત્રોમાં આવી ઘણી બધી વાતોનો ઉલ્લેખ છે. જેમ કે ચોમાસાના વરસાદ પહેલા કીડીઓ પોતાના ઈંડા લઈ અને સ્થળ પરિવર્તન કરતી હોય તો, માની લેવું કે નજીકના દિવસોમાં વરસાદ થશે. એ જ રીતે સર્પ મોટેભાગે જમીન ઉપર જ રહેતો હોય છે. પરંતુ સર્પ જ્યારે કોઈ ઝાડ ઉપર ચડતો જણાય તો પણ માની લેવું કે નજીકના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવશે.

મિત્રો એક નોરવેલના દોડવા આવે છે. આ દોડવા હવામાં ખુલામાં પડ્યા હોય અને તેની ઉપર જો કુણી કુણી કુણપ એટલે કે કોટા નીકળવા માંડે ત્યારે પણ સમજી લેવું કે હવે વરસાદ નજીક આવી રહ્યો છે. આવું જોવા મળ્યા બાદ 15 દિવસની આજુબાજુ વાવણીનો પહેલો વરસાદ થાય. એ જ રીતે ગરમાળાના ઝાડ ઉપર ફૂલ દેખાય ત્યારે એવું સમજવું કે હવેથી ને 45 દિવસ પછી ચોમાસું બેસી જશે. માટે આવી બાબતોનો ખાસ અભ્યાસ કરવો.

ચોમાસાનું ભવિષ્ય

મિત્રો સાદી રીતે જોઈએ તો જો શિયાળાના ચાર મહિના દરમિયાન ઠંડીનું જોર ખૂબ જ રહે. એવી જ રીતે ઉનાળાના ચાર મહિના દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળે તો, એવું સમજવું કે જેમ શિયાળો અને ઉનાળો બંને પોતાના બળમાં મજબૂત રહ્યા એ જ રીતે આવનારું ચોમાસું પણ વરસાદમાં મજબૂત રહેશે કેમ કે આ વાત સો ટકા સત્ય છે.

જેઠ મહિનાની સુદ બીજના દિવસે જો ગાજવીજ થાય તો, સારું ગણવું નહીં. કેમકે જેઠ સુધી બીજના દિવસે જો મેઘગર્જના થાય તો ચોમાસામાં વાવણીનો વરસાદ પ્રથમ થયા બાદ એક મોટા વાયરાની સંભાવના રહે છે. ટૂંકમાં વાવણીના વરસાદ થયા પછી એક વરસાદ આવવામાં મોટો ગેપ આવે છે.

હવે આપણે મુખ્ય વાત ઉપર આવીએ. ચોમાસાના દિવસો દરમિયાન આજે વાત આપણે કરી રહ્યા છીએ તેનો ખાસ અનુભવ કરવો. માત્ર ચોમાસા દરમિયાન જ આવી પરિસ્થિતિનું દરેક વારે નિર્માણ થાય તો, જ આપણે જે વાત કરીશું એ પ્રમાણે હવામાન જોવા મળશે. માટે આ વાતની ખાસ યાદી રાખવી.

રવિવારનું અનુમાન

ચોમાસુ બેસી ગયા બાદ રવિવારના દિવસનું ખાસ અવલોકન કરવું. સવારે ઊકડાટ તેમજ પશ્ચિમ દિશામાંથી ધીમો ધીમો પવન હોય તો તથા બપોરે આકાશમાં તેતર પક્ષીના રંગ જેવી વાદળી નીકળે તો, તે બપોરે બે માસનું પાણી પડે. ટૂંકમાં ભારેથી અતિ ભારે વરસાદ સંભવિત બને.

સોમવારનું અનુમાન

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન સોમવારે જો સવારે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય અથવા તો ઈશાન દિશામાં વીજળી થાય તો ગણતરી જ સેકન્ડોમાં વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે આ વાત નક્કી કરી લેવી.

મંગળવારનું અનુમાન

હવે મંગળવાર ની વાત કરીએ તો, ચોમાસાના દિવસો દરમિયાન મંગળવારે સવારથી જ ખૂબ જ તડકો હોય. બપોરે દક્ષિણ અથવા તો અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાતો હોય તો, દિવસે વરસાદ થાય નહીં, પરંતુ રાત્રે વરસાદની સંભાવના ઉજળી જણાય.

બુધવારનું અનુમાન

એ જ રીતે એક બુધવારનું અનુમાન જોઈએ ચોમાસાના દિવસો દરમિયાન બુધવારના દિવસનું ખાસ અવલોકન કરવું. ગઈ રાત્રે જો તારા દેખાતા હોય એટલે કે મંગળવારની રાત્રે તારા દેખાતા હોય અને બુધવારે જો સવારે પશ્ચિમનો પવન હોય અને સાંજે ઉત્તરમાંથી પવન આવે એટલે કે ઉત્તર દિશામાંથી પવન ફૂંકાય તો, એક નાનકડી વાદળી પણ ચાર માસનું પાણી આપે એવો વરસાદ પડે.

ગુરુવારનું અનુમાન

હવે ગુરૂવારનું નિદાન જોઈએ. ચોમાસાના દિવસો દરમિયાન ગુરુવારે જો સવારથી સાંજ સુધી એક જ દિશાનો લાગટ પવન રહે તો, મધરાતે વરસાદ આવે. ગુરૂવારના વરસાદી વાતાવરણમાં સાંજે ઝાડ ઉપર બેઠેલી કોયલ બોલે તો સૂરજ ઉગે તે પહેલા વરસાદની સંભાવના ઉજળી બને.

શુક્રવારનું અનુમાન

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન શુક્રવારે સવારે જો ખૂબ જ સૂર્યપ્રકાશ હોય અને પવન મંદ ફૂકાતો હોય અથવા તો સંપૂર્ણ પવન ન હોય તથા દક્ષિણ દિશામાં સફેદ રંગના વાદળા દેખાય તો, બપોરે વરસાદ થાય માટે આ વાતનો ખાસ અભ્યાસ કરવો.

શનિવારનું અનુમાન

હવે શનિવારની વાત કરીએ તો, મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન શનિવારે ચારે બાજુમાંથી પવન હોય અને ધૂળની ડમરી ઉઠતી હોય અને સાંજે જો ઉત્તરનો પવન ફૂંકાય તો મધરાત પહેલા વરસાદના ચિત્રો ઉભા થાય. માટે શનિવારના દિવસનું પણ ખાસ અવલોકન ચોમાસાના દિવસો દરમિયાન કરવું.

આપણે અઠવાડિયાના સાતેય દિવસનું જે અનુમાન ઉપર જણાવ્યું છે, તે આપણું પર્સનલ અનુમાન નથી. પરંતુ ભડલી સંહિતા તેમજ વરસાદને લગતા જુના સાહિત્યમાં આ વાત જોવા મળી રહી છે એટલે આ વાતનો ખાસ ખ્યાલ રાખવો.

વરસાદ ક્યારે થાય?

મિત્રો એ જ રીતે જે રીતે આપણે વાત કરી છે એ જ રીતે એક પણ અનુભવ કરવો શુક્રવારના દિવસે જો આકાશ ખૂબ જ વાદળછાયું હોય અને જો વરસાદ શુક્રવારે ન થાય પરંતુ શનિવારના દિવસે જો ખૂબ જ વધુ આકાશ ધાબડિયું રહે તો, રવિવારે ચોક્કસ ને ચોક્કસ વરસાદનો મોટો રાઉન્ડ આવશે. કેમ કે આ સ્પષ્ટ વિધાન ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.

મિત્રો ચોમાસાના દિવસો દરમિયાન સવારમાં જો પશ્ચિમ દિશામાં મેઘ ધનુષ્ય જોવા મળે તો, ચારથી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદનો મોટો રાઉન્ડ આવશે. એવી મનમાં ગાંઠ વાળી લેવી. કેમકે સવારમાં જો પશ્ચિમ દિશામાં મેઘ ધનુષ્ય દેખાય તો, તે આવનારા દિવસોમાં વરસાદ વરસવા માટેના ખૂબ જ શુકનવંતા યોગ ગણાય.

ચોમાસાના દિવસોમાં એકધારો નોર્થ વેસ્ટ જેને સૌરાષ્ટ્રના ખેડૂતો તેને સૂરીયો પવનના નામથી ઓળખે છે. જો એકધારો સૂરીયો પવન ફૂંકાય તો, ત્રણ દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ આવશે, જળબંબાકાર થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. જો કે આ પવન પાછળનું એક વૈજ્ઞાનિક કારણ જોઈએ તો, જ્યારે બંગાળની ખાડીમાં વરસાદની સિસ્ટમ બનીને ગુજરાત તરફ આવતી હોય છે, ત્યારે આ નોર્થ વેસ્ટનો પવન સિસ્ટમને ગુજરાત તરફ ખેંચે છે.

જમીનમાંથી અચાનક નાની-નાની દેડકી નીકળીને મેદાન ઉપર જોવા મળે ત્યારે પણ એમ જ સમજી લેવું જોઈએ કે, હવે વરસાદ નજીક આવ્યો છે, અને ચોમાસું જમાવટ કરશે. કેમકે જમીનમાં રહેતા નાના નાના જીવો પોતાના દરની અંદર એટલો બાફ લાગતો હોય છે, કે તે જમીનમાં રહી શકતા નથી. તેઓ પોતાના દર મૂકી અને મેદાનમાં આવે છે. જ્યારે આવા સમીકરણો જોવા મળે ત્યારે માની લેવું કે હવે વરસાદનો રાઉન્ડ આવશે.

વરસાદનું ભવિષ્ય અને હવામાન આગાહી

મિત્રો વરસાદનું ભવિષ્ય એટલે કે નજીકના દિવસોમાં વરસાદ થશે કે નહીં એ અંગે હવામાન આગાહી જો આપણે જાણવી હોય તો, અત્યારના હવામાનના ઘણા બધા મોડલો અવેલેબલ છે. જે મોડલના સહારે આપણે નજીકના દિવસોમાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંતર્ગત સ્પષ્ટ જાણી શકીએ છીએ.

યુરોપિયન મોડલ, અમેરિકન મોડલ તેમજ યુકે મોડલના સહારે અભ્યાસ કરીને આપણે નજીકના દિવસમાં જો બંગાળની ખાડીમાં સિસ્ટમ થઈ હોય તો, તેનો ટ્રેક કઈ તરફ રહેશે? અને જો આ તરફ આવતો હોય તો વરસાદની શરૂઆત ક્યારે થશે? આ બધું ચોકસાઈથી જાણી શકીએ છીએ. જો કે આ બાબતે આપણે એક નવી પોસ્ટમાં વાત કરશું.

Disclaimer: મિત્રો આ પોસ્ટમાં વરસાદનું સાપ્તાહિક ભવિષ્ય અંગે જે વાતનો ઉલ્લેખ કરીને આ પોસ્ટ રજૂ કરી છે, તે World Weather Radar વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. પરંતુ આ માહિતી ભડલી વાક્યના આધાર પરથી લેવામાં આવેલી છે. આ વાતની ખાસ નોંધ લેવી ખૂબ ખૂબ આભાર.

← મુખ્ય પેજ પર જાઓ