રોહિણી નક્ષત્ર અને ચોમાસું 2027

મિત્રો આજની આ ખૂબ જ સરસ પોસ્ટમાં આપણે રોહિણી નક્ષત્ર અંગે સંપૂર્ણ માહિતી મેળવશું. રોહિણી નક્ષત્ર પહેલાનું નક્ષત્ર અશ્વિની નક્ષત્ર અંગે પણ આપણે માહિતી મેળવશું. જેથી આ બંને નક્ષત્રમાં કેવા ચિત્રો જોવા મળે તો, આવનારું ચોમાસું 2027 કેવું રહેશે? એ અંગેનું સચોટ અનુમાન લગાવી શકાય.

સૂર્યનું નક્ષત્ર ભ્રમણ

સૂર્ય જેમ જેમ રાશિ બદલતો હોય છે, તેમ તેમ નક્ષત્ર પણ બદલતો હોય છે. સૂર્યના રાશિ ભ્રમણની માફક સૂર્યનું નક્ષત્ર ભ્રમણ પણ મોટે ભાગે નિયમિત એટલે કે દરેક વર્ષે ચોક્કસ તારીખો ની આજુબાજુ જ થાય છે.

જેમકે મિત્રો ચોમાસામાં આવતું પ્રથમ નક્ષત્ર આદ્રા નક્ષત્ર મોટેભાગે 21 જુને જ આવે છે. ક્યારેક ક્યારેક 22 જુને પણ આવે છે. કહેવાનો મતલબ એમ છે કે, આદ્રા નક્ષત્રનો મોટેભાગે શુભ બેસવાનો વિધિવત પ્રવેશ 21 જૂનની જ આજુબાજુ થતો હોય છે. એ જ રીતે દરેક નક્ષત્રમાં સૂર્ય જે નક્ષત્રમાં આવતો હોય છે, તેનો મોટેભાગે સમય નક્કી જ હોય છે.

રેવતી અશ્વિની ભરણી અને કૃતિકા નક્ષત્ર

મિત્રો આમ તો રેવતી નક્ષત્રથી ભરણી નક્ષત્ર સુધીના આશરે 42 દિવસોમાં જો ક્યારેક વરસાદ થાય તો, આવનારા ચોમાસા માટે હાનિકારક સાબિત થાય છે. એટલે જ આ નક્ષત્રમાં વરસાદ ન થાય એ ખૂબ જ સારું વિધાન ગણાય. જોકે કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો, ભડલી વાક્ય અને નક્ષત્રના યોગ મુજબ ખૂબ જ સારા સુકન ગણાય છે. અને આવનારું ચોમાસું પણ સારું રહે.

અશ્વિની નક્ષત્રમાં જો વરસાદ થાય તો, તે વર્ષે અનનો નાશ થાય છે. એટલે કે તે વર્ષે શિયાળુ પીત થવાની સંભાવના ઓછી જાણાતી ઉભી થાય છે. એને અનુસંધાને અનનું ઉત્પાદન ખૂબ જ ઓછું પાકે. મિત્રો અશ્વિની નક્ષત્રમાં સૂર્ય દર વર્ષે મોટે ભાગે 13મી એપ્રિલની આજુબાજુ પ્રવેશ કરતો હોય છે. અને 25 એપ્રિલ સુધી સૂર્ય અશ્વિની નક્ષત્રમાં રહેતો હોય છે. આ દિવસો દરમિયાન ખૂબ ઉનાળો હોય છે. એટલે કે તાપમાન ખૂબ જ ઉચું નોંધાતું હોય છે. આ નક્ષત્રમાં થતા વરસાદને માવઠું કહેવાય છે. આ માવઠું ભારે પવન અને ગાજવીજ સાથે જોવા મળતું હોય છે.

એટલે જ મિત્રો અશ્વિની નક્ષત્રમાં થતા માવઠાને ખૂબ જ સારી એવી નિશાની આવનારા ચોમાસા માટે ગણી ન શકાય. કેમ કે તેનું મુખ્ય કારણ વરસાદના ગર્ભ ગળી જતા ચોમાસું નબળું પડી જાય છે. એટલે કે શિયાળામાં જે ચોમાસું કસ કાતરાનું નિર્માણ થયું હોય, એ અશ્વિની નક્ષત્રમાં જો વરસાદ જોવા મળે તો તે ગર્ભ બધા ગળી જાય છે.

ભરણી નક્ષત્ર અને ચોમાસું 2027

આવનારું ચોમાસું 2027 કેવું રહેશે? એ અંગે જે જૂનામાં જૂના સાહિત્યમાં ભરણી નક્ષત્રના જે અંગેના વિધાન જોવા મળે છે, એ અંગેની વિગતવાર માહિતી મેળવીએ.

મોટેભાગે સૂર્ય ભરણી નક્ષત્રમાં 26 એપ્રિલની આજુબાજુ આવે છે, અને મે મહિનાની 9 તારીખની આજુબાજુ સુધી સૂર્ય ભરણી નક્ષત્રમાં રહે છે. આ દિવસો પણ વરસાદના ગર્ભ માટે મહત્વના છે. જો આ ભરણી નક્ષત્રમાં વરસાદ થાય તો, શિયાળાના મોટાભાગના ગર્ભ ગળી ગયા એવું કહેવાય છે. અને આવનારું ચોમાસું નબળું પડે છે. ટૂંકમાં ભરણી નક્ષત્રના દિવસો દરમિયાન આકાશ સ્વચ્છ રહેવું જોઈએ. અને ગરમીનો પુષ્કળ માહોલ રહેવો જોઈએ. જે આવનારા ચોમાસા માટે સારી બાબત ગણી શકાય.

ભરણી નક્ષત્રનું એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે "જો વર્ષે ભરણી તો છોડેનાર પરણી" અર્થાત્ જો ભરણી નક્ષત્રમાં વરસાદ થાય તો, ચોમાસું ખરાબ આવે, એવો દુષ્કાળ પડે કે, પરણેલી નારીને ઘરે છોડીને જઈને નરને ક્યાંય કમાવવા જવું પડે. એટલે કે ઘરબાર છોડી અને બીજે કામ ધંધે જવું પડે એવા દુષ્કાળના ચિન્હો ઊભા થાય.

આમ મોટેભાગે દર વર્ષે 26 એપ્રિલથી 9 મે સુધી સૂર્ય ભરણી નક્ષત્રમાં રહેતો હોય અને આ દિવસો દરમિયાન વરસાદ થાય તો, ખૂબ જ હાનિકારક ગણાય. ભરણીમાં જો વરસાદ થાય તો ઘાસચારાની ખૂબ જ અછત ઊભી થાય.

રોહિણી નક્ષત્ર અને ચોમાસું 2027

મિત્રો દર વર્ષે લગભગ 24 મેની આજુબાજુ રોહિણી નક્ષત્રમાં સૂર્ય પ્રવેશ કરે છે. જેને આપણે દેશી ભાષામાં રોયણ બેઠી એવું પણ કહીએ છીએ. આ રોહિણી નક્ષત્ર 24 મેથી લગભગ 6 જુનની આજુબાજુ દર વર્ષે રહેતું હોય છે.

ભડલીએ રોહિણી નક્ષત્ર ને ખૂબ જ મહત્વ આપ્યું છે રોહિણી નક્ષત્ર લગભગ 14 દિવસનું હોય છે. અર્થાત્ રોહિણી નક્ષત્રના દિવસોના ચાર ભાગ પાડવા. એમાં જો પહેલા ભાગના દિવસોમાં વરસાદ થાય તો, પાણીનો અભાવ રહે એટલે કે ચોમાસામાં ત્રુટી ઉદભવે.

મિત્રો રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં એટલે કે બીજા ભાગમાં જો વરસાદ થાય તો, બોતેરીયું કાઢે મતલબની વાત એ કે 72 દિવસ સુધી વરસાદ ન પડે. જેને અમુક ખેડૂતો બાઉતેરીયુ કાયઢયું એમ પણ કહે છે. જોકે એક અન્ય માન્યતા મુજબ આ 72 દિવસો પૂરા વરસાદ વિહોણા જતા નથી, એમાંથી કંઈક 12 દિવસ ગાયના ઘાસ માટે વરસાદ થાય છે. જેથી 72 માંથી 60 દિવસ કોરા જવાની સંભાવના રહેતી હોય છે. એટલે રોહિણી નક્ષત્રના બીજા ચરણમાં વરસાદ થવો ન જોઈએ.

આગળ ત્રીજા ભાગની વાત કરીએ એટલે કે જો રોહિણી નક્ષત્રના ત્રીજા ચરણમાં વરસાદ થાય તો, તે વર્ષે ઘાસચારાનો અભાવ થાય. ટૂંકમાં વરસાદની સંભાવના ઓછી જ ઉભી થાય, જો ત્રીજા ચરણમાં વરસાદ થાય તો. હવે જો રોહિણી નક્ષત્રના ચોથા પાયામાં એટલે કે ચોથા ભાગમાં જો ત્રણ ચાર દિવસ સતત વરસાદ થાય તો, તેને શુભ કહ્યો છે. તે હાનિકારક નથી, એટલે આવનારા ચોમાસામાં કોઈ વિપરીત અસર જોવા મળતી નથી.

રોહિણી નક્ષત્ર અને વરસાદનું ચિત્ર

ભડલી સંહિતા મુજબ રોહિણી નક્ષત્રમાં જો તડકા પડે, અને સાથે સાથે વરસાદ ન થાય તો, આવનારા ચોમાસા માટે શુભ ગણાય. એટલે મિત્રો રોહિણી નક્ષત્રના સમયગાળામાં આકાશ સ્વચ્છ રહેવું જોઈએ. તાપમાનનો પારો ખૂબ જ ઊંચો રહેવો જોઈએ. જે આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણી શકાય.

સૂર્યનું રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું હોય ત્યારે જો ચંદ્ર પણ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે તો, રોહિણીમાં રોહિણી આવે. જે નબળું ફળ આપનાર કહેવાયું છે .અને ચોમાસું પણ નબળું પડે, ભિક્ષા માગવી પડે એટલે ટૂંકમાં ભિક્ષા માગવાનો અર્થ એ કે ખેતીના પાકમાં ઉત્પાદન ખૂબ જ ઓછું આવે દુષ્કાળના ચિન્હો વધુ રહે.

રોહિણી નક્ષત્રના ચોથા પાયામાં એટલે કે રોહિણી નક્ષત્રના પાછલા ત્રણ ચાર દિવસમાં જો વરસાદ થાય, અને એના પછી જે મૃતશીર્ષ નક્ષત્ર આવતું હોય તે નક્ષત્રમાં ખૂબ જ તડકો પડે, અને જો વળી આદ્રામાં વરસાદ થાય તો, ચોમાસું ઘણું સારું રહે. જો આવા વિધાન જોવા મળે તો, રોહિણી નક્ષત્રના ચોથા પાયાના વરસાદને આપણે ખરાબ ચીન્હ ગણી ન શકીએ.

ચોમાસાના મુખ્ય નક્ષત્ર પહેલાનો સારાંશ

શિયાળાના સારા ગર્ભ અને ઉનાળામાં હવામાન સ્વચ્છ રહે એ દરેક આવનારા ચોમાસા માટે સારા સમાચાર ગણી શકાય. મિત્રો ચોમાસાનું મુખ્ય નક્ષત્ર આદ્રા નક્ષત્ર પહેલાના નિચોડ જોઈએ તો, મોટેભાગે અશ્વિની નક્ષત્રમાં વરસાદ થવો ન જોઈએ.

રેવતી નક્ષત્રમાં પણ આકાશ ચોખ્ખું રહેવું જોય. રેવતી નક્ષત્રના દિવસો દરમિયાન પણ હવામાન જો સ્વચ્છ રહે અને જો કમોસમી વરસાદ ન થાય તો આવનારો ચોમાસું સારું જ રહેશે, ભડલી વાક્યો પ્રમાણે આ વાતની ગળે ગાંઠ બાંધી લેવી.

એ જ રીતે રોહિણી નક્ષત્ર બને એટલું તપવું જોઈએ. આકાશમાંથી અગનના ગોળા વર્ષે એવો તાપ જો રોહિણી નક્ષત્રમાં જોવા મળે, અને રોહિણી નક્ષત્રના દિવસો સંપૂર્ણ રીતે સ્વચ્છ પસાર થઈ જાય તો, આવનારું ચોમાસું ટનાટન રહેશે. એટલે ચોમાસું 2027 દરમિયાન આ વાતનું ખાસ અવલોકન કરજો.

રોહિણી નક્ષત્ર 2027 ક્યારે બેસે અને આ વર્ષે રોહિણી નક્ષત્ર 2027 ના સમયગાળા દરમિયાન કેવા યોગનું નિર્માણ થશે, એ અંગે આપણે આ વર્ષે અનુભવ કરીને એક વિશેષ પોસ્ટ મૂકશું. જેથી ગુજરાતના ખેડૂત મિત્રોને ઉપયોગી થાય.

ખાસ નોંધ: મિત્રો આ પોસ્ટમાં અશ્વિની નક્ષત્ર, રેવતી નક્ષત્ર તેમજ રોહિણી નક્ષત્ર 2027 સંબંધિત જે જે વાત રજૂ કરવામાં આવી છે, તે વાત આ World Weather Radar વેબસાઈટની પર્સનલ માહિતી નથી. પરંતુ આ પોસ્ટમાં જે ઉપરોક્ત માહિતી અપડેટ કરવામાં આવી છે, તે ભડલી સંહિતામાં જે વાતનું વર્ણન જોવા મળી રહ્યું છે, એનો સારાંશ મૂકવામાં આવ્યો છે. આ વાતની ખાસ દરેક મિત્રોએ નોંધ લેવી ખૂબ ખૂબ આભાર.

← મુખ્ય પેજ પર જાઓ