મિત્રો પોષ મહિનો એટલે આવનારા ચોમાસા માટે સચોટ ચિત્ર જોવા મહિના માટેનો મુખ્ય મહિનો ગણી શકાય. આ પોષ મહિના દરમિયાન હવામાન કેવું રહે? એ મુજબ આવનારું ચોમાસું પણ કેવું રહે? એ અંગે એક સ્પષ્ટ વિધાન જોવા મળતું હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં પોષ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ચોમાસું વર્તારો કેવો રહે છે એ અંગેની માહિતી મેળવશું.
આ મહિનાને શિયાળાનો ધોરી મહિનો ગણવામાં આવે છે. કેમકે આ મહિનામાં ઠંડીનું સામ્રાજ્ય મોટેભાગે સારું એવું જોવા મળતું હોય છે. ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીરના ભાગોમાં તેમજ હિમાલયની મોટાભાગની ટેકરીઓમાં આ મહિનામાં બરફ વરસાદના ઢગલા જોવા મળતા હોય છે. જેને અનુસંધાને ખાસ કરીને કચ્છ તેમજ સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી મળતું હોય છે.
પોષ મહિનામાં કાતીલ ઠંડી તેમજ રોયાડ પવનનું સામ્રાજ્ય જોવા મળે તો, આવનારું ચોમાસું ખૂબ જ સારું સાબિત થાય છે. આ વાતમાં કોઈ શંકા કરવી નહીં. કેમકે આ મહિનામાં મોટેભાગે ઈશાન ખૂણામાંથી ઠંડાગાર પવનો ફૂલ સ્પીડે ફુકાતા હોય છે. જેને હિસાબે મોટાભાગે પોષ મહિનાના દિવસો દરમિયાન ગુજરાતનું હવામાન સુકું જોવા મળતું હોય છે. આ મહિનામાં જેટલો કસ થાય તેટલો જ ચોમાસાના ધોરી મહિનાઓમાં વરસાદ જોવા મળતો હોય છે.
મિત્રો ભડલી વાક્યના સિદ્ધાંત મુજબ પોષ સુદ સાતમ અને આઠમના દિવસે મેઘ ગર્જના સંભળાય તો, ચોમાસાના વરસાદ માટે સારો ગર્ભ બંધાણો છે એમ સમજવું. ટૂંકમાં અંજવાળી સાતમ અને આઠમના દિવસે વરસાદ અથવા તો ગાજવીજ થાય તે ખૂબ સારી બાબત ગણી શકાય.
આગળ વધુ માહિતી મેળવીએ તો, પોષ સુદ સાતમે આકાશમાં કાળા કાળા વાદળ દેખાય તો, ચોમાસામાં આદ્રા નક્ષત્રથી જળ સ્થળ એક કરી દે એવો જોરદાર વરસાદ થાય. હવે અંધારા પક્ષની વાત કરીએ તો, પોષ વદી સાતમના દિવસે આકાશમાં વીજળી થાય તો, શ્રાવણ સુદ પૂનમે એટલે કે શ્રાવણ મહિનાની અંજવાળી પૂનમના દિવસે ભુકા કાઢે એવો વરસાદ થાય. શ્રાવણ મહિનાની પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસોની આજુબાજુ પ્રચંડ વરસાદ થાય.
મિત્રો પોષ વદી દસમે એટલે કે પોષ મહિનાની અંધારી દશમે જો આકાશમાં વાદળ વીજળી થાય તો, ભાદરવા મહિનામાં પણ વરસાદની સંભાવના ઉજળી જણાય. માટે પોષ વદ દશમનું આકાશ દર્શનનો ખાસ અનુભવ કરવો.
પોષ મહિનાની રાત્રિનું ખાસ અવલોકન કરવું. મોટેભાગે આ મહિના દરમિયાન રાત્રે કાતિલ ઠંડા પવનનો ફૂંકાય તો આવનારૂ ચોમાસું સારું આવશે. રાત્રિ દરમિયાન જો સીમ શેઢે આપણે જતા હોય તો, આ રાત્રી દરમિયાન શિયાળ જેટલા વધારે બોલવાનો અવાજ સંભળાય તો પણ આવનારું ચોમાસું ટનાટન થશે. કેમકે આ વાતનો ઉલ્લેખ ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે.
આગળ બીજી વાત કરીએ તો, પોષ વદી તેરસે આકાશમાં ચારેય બાજુ જો વાદળા દિવસ દરમિયાન જોવા મળે તો, પણ શ્રાવણ મહિનામાં ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો ઉભા થાય. એટલે પોષ મહિનાની અંધારી તેરસના દિવસનું ખાસ નિરીક્ષણ કરવું. આ દિવસે આકાશમાં જેટલા વધુ પડતા વાદળા જોવા મળે તે આવનારા ચોમાસા માટે ખૂબ સારી નિશાની ગણાય.
હવે આપણે પોષ વદી અમાસની વાત કરીએ. મિત્રો પોષ વદી અમાસના દિવસે ધન રાશિમાં સૂર્ય હોય સાથે સાથે મૂળ નક્ષત્રનો યોગ હોય તો, ચોમાસામાં ચારેય માસ દરમિયાન સારો વરસાદ થશે. ઝૂંપડા બાંધીને સુખ શાંતિથી રહેવું. પરંતુ સ્થળાંતર કરવું નહીં. એટલે મિત્રો પોષ મહિનાની વદ અમાસે આ જે બંને વાત કરી છે, તેનો યોગ અવશ્ય જોવો. જો યોગ સુમેળ થતો હોય તો ચોમાસું સારું જ આવશે.
હવે મિત્રો આપણે જે પોષ મહિનાના વાર મુજબ ચોમાસું કેવું રહેશે? એ અંગે વાત કરી રહ્યા છીએ. કેમ કે આ વાત પણ સ્પષ્ટ ભડલી વાક્યમાં ઉલ્લેખ છે, કે પોષ મહિનામાં કયા વારનો યોગ કેવી રીતે જોવા મળે તો આવનારું ચોમાસું કેવું થાય.
મિત્રો પોષ મહિનાની અમાસે કયો વાર આવે છે? તે ખાસ જુઓ. જો સોમવાર, ગુરુવાર કે શુક્રવાર આવતો હોય તો તે વર્ષે અન્ન સસ્તું રહે. ઘરે-ઘરે મંગળ થાય, પ્રજા સુખી થાય. અને જો પોષ વદ અમાસે એટલે કે પોષ મહિનાની અંધારી અમાસે જો શનિવાર આવતો હોય તો, અનાજના ભાવ બમણા, જો રવિવાર આવતો હોય તો ત્રણ ગણા, અને જો મંગળવાર આવતો હોય તો અનાજના ભાવ ચાર ગણા થાય. કેમ કે આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
હવે ભડલી વાક્યો મુજબ પોપે મહિનાના એક બીજાના યોગની વાત કરીએ તો, મિત્રો જો પોષ મહિનામાં પાંચ શનિવાર આવતા હોય, મહા મહિનામાં પાંચ રવિવાર આવતા હોય અને જો ફાગણ મહિનામાં પાંચ મંગળવાર આવતા હોય તો, તે વર્ષે દુષ્કાળની નિશાની ગણાય. ટૂંકમાં આવનારું ચોમાસું ખૂબ જ નબળું રહે. આવું વર્ણન ભડલી સંહિતામાં જોવા મળી રહ્યું છે.
મિત્રો આજના આ ટેકનોલોજી યુગના સમયમાં આપણે સાત દિવસની હવામાન આગાહી એટલે કે વરસાદની આગાહી સચોટ હવામાનના મોડલના માધ્યમથી મેળવી લઈએ છીએ. પરંતુ જે સમયમાં આવી ટેકનોલોજીનો કોઈ સમય એટલે કે ટેકનોલોજીનો યુગ ન હતો, ત્યારે પણ આપણા ઋષિમુનિઓના પ્રાચીન શાસ્ત્રોમાં ઘણી બધી એવી વાતો વર્ણન થયેલી છે, કે જેના અનુમાન ઉપરથી આવનારા દિવસોમાં વરસાદ થશે કે નહીં એવું સચોટ નિદાન થઈ શકતું હતું.
આવી થોડીક વાતોની માહિતી મેળવીએ તો. વરસાદની પહેલાં આપણા જે પાણી પીવાના વાસણોમાં પાણી ભરેલું હોય છે, તેનું નોર્મલ ટેમ્પરેચર જે જોવા મળતું હોય એના કરતાં ગરમ પાણી જો વાસણમાં જોવા મળે તો સમજવું કે આવનારા દિવસોમાં વરસાદ નજીક છે.
એક બીજી પોષ મહિનાની વાત કરી લઈએ તો, પોષ મહિનામાં જે મુખ્ય ગર્ભ એટલે કે કાત્રો બંધાતો હોય તેની પાછળ જો ઝાકળ બિંદુનું આગમન થાય તો, તે સારી નિશાની ગણાય નહીં. કેમકે જે ગર્ભ બન્યો હોય, એ ઝાકળ આવવાની સાથે ગળી જાય છે. ટૂંકમાં તે ગર્ભનો લાભ ચોમાસામાં મળતો નથી.
પોષ મહિના દરમિયાન દિવસનું હવામાન બને તેટલું સૂકું રહે એ સારું ગણવું. જેટલુ હવામાન સુકુ અને સાથે સાથે ઠંડીનું જો જોરદાર આ મહિના દરમિયાન આગમન જણાય તો, આવનારૂ ચોમાસું જમાવટ કરશે. આદ્રા નક્ષત્રથી લઇને હસ્ત-નક્ષત્ર સુધી ભરપૂર વરસાદ થશે. આ વાતમાં શંકા રાખવી નહીં.
પોષ મહિનાની પૂનમની રાત્રીનું પણ ખાસ અવલોકન કરવું. જો પોષ મહિનાની પૂનમની રાત્રે ચંદ્રની આજુબાજુ ઝાંખી એવી વાદળી અથવા તો કસનું આવરણ હોય તો, પણ તે ખૂબ જ નિશાની સારી ગણાય છે. એટલે પોષ મહિનાની પૂનમની રાત્રે જેટલો મજબૂત કસ એટલું જ આવનારું ચોમાસું મજબૂત જાણવું.
તો મિત્રો આ પોસ્ટમાં પોષ મહિના સંબંધિત ભડલી વાક્યો મુજબ જે જે વિધાનો આપણે રજૂ કર્યા છે, એ પ્રમાણે પોષ મહિનાના દિવસો દરમિયાન ખાસ અભ્યાસ કરવો. જેથી કંઈક અંશે આવનારું ચોમાસું સારું રહેશે કે આવનારા ચોમાસામાં વરસાદની ઉણપ રહેશે? એ અંગે ઝાઝું નહીં તો થોડું ઘણું આપણે અનુમાન લગાવી શકીએ.
ખાસ નોંધ: મિત્રો આ પોસ્ટમાં જે ભડલી વાક્યો સંબંધિત પોષ મહિનાના દિવસોનો વર્તારો રજૂ કરવામાં આવ્યો છે, તે World Weather Radar વેબસાઈટની પર્સનલ માહિતી નથી આ વાતની ખાસ નોંધ લેવી. ઉપર રજૂ કરવામાં આવેલી પોષ મહિનાની તમામ માહિતી ભડલી સંહિતાના આધારે રજૂ કરવામાં આવી છે. તો આ વાતની નોંધ ખાસ લેવી.