કારતકથી જેઠ: ભડલી વાક્યો અને ચોમાસું
કારતકથી જેઠ મહિના સુધીનું ઋતુચક્ર એટલે શિયાળો અને ઉનાળો. આમ જોઈએ તો, હિન્દુ કેલેન્ડર મુજબ ચાર ઋતુનો સમાવેશ કારતકથી જેઠ મહિના દરમિયાન થાય છે. જેમ કે કારતક થી માગશર હેમંત ઋતુ, પોષ થી મહા શિશિર ઋતુ, ફાગણથી ચૈત્ર વસંત ઋતુ, અને વૈશાખથી જેઠ ગ્રીષ્મ ઋતુ. આ ચારેય ઋતુમાં ભડલી વાક્યો મુજબ કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આગામી ચોમાસું કેવું રહે? એ અંતર્ગત આપણે ખૂબ જ વિસ્તારથી માહિતી મેળવશું.
હેમંત ઋતુના ભડલી વાક્યો
પ્રથમ આપણે કારતક મહિના અંગેની માહિતી મેળવશું. મિત્રો કારતક મહિનો એટલે ઋતુની ઉત્પત્તિ. કારતક મહિનામાં આમ તો ઠંડીની થોડી થોડી શરૂઆત થતી જોવા મળે છે. જો કારતક મહિનામાં ઠંડીની ઋતુની ઉત્પતિ શરૂ થઈ જાય તો, આવનારૂ ચોમાસું પેટર્ન માટે સારી નિશાની ગણવી. કારતક મહિનામાં રાત્રે ગુલાબી ઠંડીનો માહોલ ધીરે ધીરે જોવા મળે તો, આવનારા ચોમાસા માટે એક સારી નિશાની ગણાય. કારતક મહિનાના અંધારીયા પખવાડિયાથી ધીરે ધીરે ગર્ભ બનવાની શરૂઆત પણ થઈ જાય છે. તો કારતક મહિનાનો ગર્ભ ચોમાસામાં પ્રથમ વરસાદને આમંત્રણ આપે છે. ટૂંકમાં મિત્રો કારતક મહિનામાં ઠંડીની શરૂઆતની સાથે જો શિયાળુ પવન સેટ થઈ જાય તો, આવનારું ચોમાસું ભડલી વાક્યો પ્રમાણે સારું રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.
હેમંત ઋતુનો બીજો મહિનો એટલે માગશર મહિનો. મિત્રો ભડલી વાક્ય પ્રમાણે માગશર મહિનાના સમીકરણ અંગે અનુમાન મેળવિયે તો, માગશર મહિનામાં બનતો ગર્ભ ચોમાસાનો ધોરી સમાન ગર્ભ ગણાય છે. કેમ કે માગશર મહિનામાં જો આકાશમાં ઠંડા પવનનો સાથે કસનું નિર્માણ જોવા મળે તો, આવનારું ચોમાસું સો ટકા સારું નીવડશે. કેમકે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. માટે માગશર મહિનાના દિવસોનું ખાસ અવલોકન કરવું. માગશર મહિનામાં જો ઠંડાગાર પવનો ફુંકાવવાનું શરૂ થાય અને નિયમિત અંતરે કસ કાતરાનું નિર્માણ જોવા મળે તો, આવનારૂ ચોમાસું સારૂ થશે. એમાં ખાસ કરીને આદ્રા નક્ષત્રથી પુષ્ય નક્ષત્ર દરમ્યાન ભારે વરસાદના યોગ ઉભા થશે. અપવાદરૂપ માગશર મહિનામાં જો આકાશમાં વાદળા છવાય અને ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદ થાય તો પણ આવતી ચોમાસું સિઝન માટે ખૂબ જ સારી નિશાની ગણવી. આ વરસાદ વરસવાથી ગર્ભ ગળતો નથી. આવી વાત ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.
શિશિર ઋતુના ભડલી વાક્યો
હવે શિયાળાના પાછલા બંને મહિનાની માહિતી મેળવીએ. તો પ્રથમ પોષ મહિનાની માહિતી મેળવીએ. મિત્રો પોષ મહિનાનો ગર્ભ એટલે ચોમાસાનો મુખ્ય ગર્ભ ગણી શકાય. ચોમાસામાં વરસતા વરસાદનો મુખ્ય ગર્ભ પોષ મહિનામાં બને છે. પોષ મહિનામાં તુષાર અને ઠંડી જો વધારે જોવા મળે તો, આવનારું ચોમાસું ટનાટન રહેશે. તુષાર એટલે કે પવન ઠંડા પવનો સુસવાટા મારતા હોય અને સાથે એકદમ ઠંડીનો માહોલ જોવા મળે. આવા માહોલની વચ્ચે જો ગર્ભનું નિર્માણ થાય તો, આવતા ચોમાસામાં નદીનાળા બે કાંઠે જશે. આવનારા ચોમાસામાં આવો ભરપૂર વરસાદ જોવા મળશે. માટે પોષ મહિનામાં જેટલું ઠંડીનું સામ્રાજ્ય વધુ તેટલું જ આવનારું ચોમાસું ટનાટન રહેશે. કેમ કે આવી સ્પષ્ટ વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. મિત્રો પોષ મહિનાના અંધિયારા પક્ષમાં જો છાંટા છૂટી અથવા ગાજ વીજ થાય તો, એ આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણવામાં આવે છે. માટે નું અવલોકન દરેક ખેડૂત મિત્રોએ ખાસ કરવું.
મિત્રો હવે મહા મહિનાની વાત કરીએ. મહા મહિનો એટલે શિયાળાનો છેલ્લો મહિનો. મહા મહિનાનો ગર્ભ અંગે ખાસ અવલોકન કરવું. ભડલી વાક્યો પ્રમાણે મહા મહિનો જેટલો વાદળછાયો હોય એ વિશેષ કરીને સારું કહેવાય. પરંતુ મહા મહિનાના ગર્ભ દરમિયાન જો ઝાકળ વરસાદના રાઉન્ડ આવે તો, મહા મહિનાના ગર્ભનું ધોવાણ થાય છે. ચોમાસું ઉતરતી વેળાએ જે વરસાદ થતો હોય, એ મહા મહિનાના ગર્ભનો વરસાદ મોટેભાગે ગણવામાં આવતો હોય છે. ચોમાસાના પાછલા નક્ષત્રોમાં જે વરસાદ પડતો હોય એનો આધાર ખાસ કરીને પોષ અને મહા મહિનાના ગર્ભ ઉપર રહેતો હોય છે. એટલે મહા મહિનામાં જો વાદળછાયુ હવામાન રહે તો, આવનારા ચોમાસા માટે સારું ગણાય. પરંતુ જો ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે તો, આવનારા ચોમાસા માટે એની માઠી અસર જોવા મળશે. મહા મહિનામાં ધીરે ધીરે દિવસ મોટો થતો જાય છે. અને ઠંડીની માત્રા પણ ઘટતી જાય છે. દિવસનું તાપમાન મહા મહિનામાં ઊંચું જોવા મળતું હોય છે. અને રાત્રિનું તાપમાન નીચું જોવા મળતું હોય છે. એટલે મહા મહિનામાં દિવસ અને રાત્રીના તાપમાનમાં મોટો તફાવત જોવા મળતો હોય છે. મિત્રો એક વાતનું ખાસ અવલોકન કરવું. ભડલી વાક્યો પ્રમાણે મહા મહિનામાં જેટલા ઝાકળના રાઉન્ડ ઓછા જોવા મળે એટલું જ આવનારૂ ચોમાસું મજબુત ગણાય.
વસંત ઋતુના ભડલી વાક્યો
વસંત ઋતુની વાત કરીએ તો, વસંત ઋતુનો પ્રથમ મહિનો ફાગણ મહિનો. મિત્રો ફાગણ મહિનામાં ચોમાસું નિર્દેશ જોવા માટેનો મુખ્ય મહિનો ગણાય છે. ફાગણ મહિનામાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય છે. ફાગણમાં આવતા હોળીના દિવસનું પણ ખાસ અવલોકન કરવું. હોળીનો પવન કઈ દિશામાં જાય છે? એના ઉપર આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે એક સ્પષ્ટ વિધાન મળી જતું હોય છે. જોકે આ બાબતે આપણે એક નવી પોસ્ટમાં વાત કરશું. હવે આગળ ફાગણ મહિનાની બીજી વાત કરીએ તો, ફાગણ મહિનામાં જો સમયસર કેસુડાના ફૂલનું આગમન થઈ જાય તો, આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણવી. ખાખરાના વૃક્ષમાં જો કેસુડાનું આગમન દમદાર હોય તો, આવનારું ચોમાસું ટનાટન રહેશે. ફાગણ મહિનાનું હવામાન વાદળછાયું રહે એ આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણાય. પરંતું ફાગણ મહિનામાં જો કમોસમી વરસાદ થાય તો, આવનારા ચોમાસામાં ખલેલ ઉભી થશે. કેમકે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે. માટે ફાગણ મહિનાનું ખાસ અવલોકન કરવું.
વસંત ઋતુનો છેલ્લો મહિનો ચૈત્ર મહિનાની વાત કરીએ તો, મિત્રો ચૈત્ર મહિનામાં જેટલી ગરમી વધુ પડે એટલી ભડલી વાક્યો પ્રમાણે આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણવી. ચૈત્ર મહિનામાં જેટલું તાપમાન ઊંચું અને જેટલુ ચૈત્ર મહિનાનું આકાશ ચોખ્ખું રહે એટલું જ આવનારું ચોમાસું મજબૂત રહેશે. મિત્રો ચૈત્ર મહિનામાં ચૈત્રી દનીયાનું પણ ખાસ અવલોકન કરવું. ચૈત્રી દનીયા અંગેની માહિતી આપણે એક વિસ્તારથી પોસ્ટ બનાવી અને રજૂ કરશું. ટૂંકમાં કહેવાનો ભાવાર્થ એટલો કે ચૈત્ર મહિનામાં માવઠું થવું જોઈએ નહીં. ચૈત્ર મહિનો જેટલો ચોખ્ખો એટલું જ આવતું ચોમાસું ભરપૂર વરસાદ લાવશે. ચૈત્ર મહિનામાં જો ગરમાળાના વૃક્ષમાં સમયસર ફૂલનું આગમન થાય, કડવા લીમડામાં સમયસર જો ફૂલનું આગમન થાય તો, પણ આવનારૂ ચોમાસું સમય મુજબ જ ઓનસેટ થશે. અને ચોમાસું પણ જમાવટ કરશે. માટે ચૈત્ર મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ચૈત્ર મહિનાનું ખાસ અવલોકન કરવું.
ગ્રીષ્મ ઋતુના ભડલી વાક્યો
મિત્રો હવે વૈશાખ મહિનાની વાત કરીએ તો, ગ્રીષ્મ ઋતુનો પ્રથમ મહિનો એટલે વૈશાખ મહિનો. વૈશાખ મહિનામાં જેટલો પવન પશ્ચિમ દિશાએથી સ્પીડથી ફુંકાય એટલું જ ભડલી વાક્યો પ્રમાણે આવનારું ચોમાસું સારું રહેશે. વૈશાખ મહિનામાં જો યોગ્ય નક્ષત્રના સંયોગ રૂપે જો ભડલી વાક્ય મુજબ વૈશાખ મહિનામાં કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો, આવનારું ચોમાસું સારું રહેશે. માટે વૈશાખ મહિનામાં આ વાતનું ખાસ અવલોકન કરવું. વૈશાખ મહિનામાં ધીરે ધીરે સવાર સાંજ જો વાદળોની આવન જાવન રહે તો, આવનારૂ ચોમાસું ભડલી વાક્ય પ્રમાણે સારું રહેશે. જેને આપણે ઘારીયા વાદળા પણ કહીએ છીએ. માટે આ મહિનામાં એટલે કે વૈશાખ મહિનામાં આ ખાસ નોંધ લેવી. વૈશાખ મહિનામાં જો ગરમીનું પ્રમાણ ધીરે ધીરે વધુ વધવા મંડે તો, પણ સારી નિશાની ગણવી. કેમ કે ગ્રીષ્મ ઋતુના શરૂઆતના મહિનાથી ગરમીનું પ્રમાણ જોરદાર જોવા મળે તો, આવનારું ચોમાસું નિયમિત અને સારું રહેશે.
જેઠ મહિનાની વાત કરીએ તો, ભડલી વાક્યો પ્રમાણે જેઠ મહિનાની અંજવાળી બીજે હવામાન એકદમ ચોખ્ખું રહેવું જોઈએ. જો જેઠ મહિનાની અંજવાળી બીજે મેઘ ગાજે તો, આવનારા ચોમાસા માટે માઠી નિશાની ગણવી. ટૂંકમાં જો આવું ચિત્ર જોવા મળે તો, ચોમાસામાં શરૂઆતમાંથી જ એક મોટું વાયરુ જોવા મળે. માટે જેઠ સુદ બીજની ખાસ યાદી રાખવી. જેઠ સુદી બીજનું આકાશ એકદમ સ્વચ્છ રહેવું જોઈએ. મિત્રો જેઠ મહિનાના ભડલી વાક્યો પ્રમાણે જેઠ મહિનામાં જો ફૂલ ગરમી પડે, આકરી લુ જરતી હોય એવી ગરમીની સ્થિતિ જોવા મળે અને આકાશ જો સ્વચ્છ રહે તો ચોમાસું જમાવટ કરશે. આ બાબતે કોઈ શંકા કરવી નહીં. કેમકે આવી વાત ભડલી વાક્યોમાં સ્પષ્ટ રૂપે જોવા મળી રહી છે. જેઠ મહિનાની શરૂઆતના દિવસોમાં જો માવઠું થાય તો, એ સારી નિશાની નથી એટલે આ વાતનું પણ ખાસ અવલોકન કરવું.
ઉપર જે વાત કરી એ પ્રમાણે કારતકથી જેઠ મહિના સુધીના દિવસોનું ખાસ અવલોકન કરવું. ભડલી વાક્યો પ્રમાણે આ કારતકથી જેઠ મહિનાનું હવામાન કેવું જોવા મળે? માટે આ બધા મહિનાના હવામાનનું ખાસ અવલોકન કરવું. જેથી આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે આપણે પ્રાચીન ભડલી વાક્યો પ્રમાણે સચોટ અનુમાન મેળવી શકીએ.