ગુજરાતમાં જેમ ચોમાસાનું આગમન થતું જાય છે, તેમ તેમ ખેડૂતોના કંઠે જે વર્ષોથી મનમાં ગુંજતા આવ્યા છે, એવા ભડલી વાક્યો અચૂક આવી જતા હોય છે. તો મિત્રો આજની આ પોસ્ટમાં આપણે કારતક મહિનાના ભડલી વાક્યો સંબંધિત સંપૂર્ણ માહિતી મેળવશું.
પ્રાચીન યુગમાં જ્યારે વૈજ્ઞાનિક કોઈ સાધનો ન હતા, ત્યારે લોકો ભડલી વાક્યોને સહારે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? એ અંગે સચોટ અનુમાન મેળવતા હતા. ભડલી વાક્યો મુજબ જ વરસાદનો વરતારો આવનારા દિવસોમાં જોવા મળતો હતો. જેમકે દરેક મહિનામાં હવામાનમાં કેવા ચિન્હો જોવા મળે એ મુજબ આવનારું ચોમાસું કેવું રહે? એમ અંતર્ગત ખેડૂતો એક સચોટ અનુમાન લગાવી લેતા હતા.
મિત્રો કારતક મહિનાની સુદ એકમના દિવસે જો બુધવાર હોય તો, આવનારા ચોમાસા દરમિયાન ક્યાંક વરસાદ ન થાય અને ક્યાંક વરસાદ મધ્યમ રહે એટલે આ દિવસની ખાસ નોંધ લેવી.
આગળ માહિતી મેળવીએ તો કારતક સુદ પાંચમના દિવસે જો રવિવાર આવતો હોય તો, તે વર્ષે અનનું ઉત્પાદન ઓછું થાય. માળવામાં મરકી, દક્ષિણમાં ઉત્પાત, પૂર્વમાં વિગ્રહ તેમજ ગુજરાત રાજ્યે ખળભળી ઊઠે એવો સમય આવે. કેમકે આવો જો યોગ થાય તો, ભડલી વાક્યમાં આવો ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. માટે જો કારતક સુદ પાંચમના દિવસે જે વર્ષે રવિવાર આવતો હોય, તે વર્ષે ખાસ આ અભ્યાસ કરવો.
કારતક સુદ પૂનમે કૃતિકા નક્ષત્ર જો ચોખ્ખું જોવા મળે તો, તે ખૂબ જ શુભ યોગ ગણવો. અને તે રાત્રે 12:30 થી 1:30 વાગ્યા દરમ્યાનનો ચંદ્ર ખાસ જોવો. ચંદ્રથી દક્ષિણે જો કૃતિકા નક્ષત્ર હોય તો, આવનારું વર્ષ એટલે કે તે વર્ષ નબળું જાણવું. જો કૃતિકા નક્ષત્ર ઉત્તરે હોય તો, વર્ષ ઉત્તમ ગણવું. ચંદ્રના મોઢા આગળ કૃતિકા નક્ષત્ર આવે તો, વર્ષ સારું પરંતુ તે વર્ષે ખેતીના પાકોમાં રોગ જીવાતનો વધુ ઉપદ્રવ જોવા મળશે.
મિત્રો એટલે જ તે વર્ષના પંચાંગમાં આ પૂનમનો સમયગાળો અને કૃતિકા નક્ષત્રનો સમયગાળો ચોક્કસપણે ચોકસાઈથી તપાસવો. કૃતિકા નક્ષત્રનો સમયગાળો જેટલો વધુ તેટલો વધારે વરસાદ સમજવો. કેમ કે આવી વાત કારતક મહિનાના ભડલી વાક્યમાં વર્ણવવામાં આવી છે.
કારતક સુદ બારસ, માગશર સુદ દશમ, પોષ સુદ પાંચમ અને મહા સુદ સાતમે જો એટલે કે શિયાળામાં આ જે દિવસો બતાવ્યા છે, એ દિવસો દરમિયાન મેઘ ગર્જના થાય તો, બારેય મહિનામાં આકાશ કોરું ધાકોર રહે એટલે કે ભયંકર દુષ્કાળના ચિત્રો સમજવા.
એક બીજું પણ ખાસ અવલોકન કરવું. કારતક મહિનાની અમાસે શનિવાર, રવિવાર કે મંગળવાર હોય સાથે સાથે સ્વાતિ નક્ષત્રનો યોગ હોય, આ ઉપરાંત આયુષ્યમાન યોગ હોય તો, સ્થળાંતર કરવું પડે એવો ખરાબ સમય નક્કી આવે. આ વાત પણ ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
કારતક મહિનાની સુદ બારસના દિવસે જો આકાશમાં ઘનઘોર વાદળા જોવા મળે તો, અષાઢ મહિનામાં ચોક્કસપણે વરસાદનો એક મોટો રાઉન્ડ જોવા મળે. માટે ખેડૂત મિત્રો કારતક મહિનાના આ દિવસનો ખાસ અભ્યાસ કરવો. પછી ભલે છાટા છૂટી થાય અથવા તો કસ કાતરો જોવા મળે તો, પણ આવનારા અષાઢ મહિનામાં ભારે વરસાદના સમીકરણો જોવા મળશે.
મિત્રો કારતક મહિનાના ભડલી વાક્ય મુજબ કારતક માસ દરમિયાન સૂર્યની વૃશ્ચિક સંક્રાંતિ થાય, તે પહેલાંની સંક્રાંતિ એટલે કે તુલા સંક્રાંતિના દિવસે કયો વાર છે? તે વર્ષના પંચાંગમાં ખાસ જોવું. તે વારથી ચાલુ માસની વૃશ્ચિક સંક્રાંતિ કેટલા વારે અને કઈ ક્રમે થઈ છે, એ ખાસ જુઓ. જો બીજ કે ત્રીજને વારે હોય તો વર્ષ મધ્યમ ગણવું. પહેલે છઠ્ઠે અને આઠમે વારે હોય તો પ્રલય થાય આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
આ સંક્રાંતિ વખતે ક્યુ કરણ ચાલે છે? તે પણ ખાસ જુઓ. તેના આધારે સંક્રાંતિની સ્થિતિ નક્કી કરો. શિયાળામાં સુતી હોય તે સ્થિતિ સારી, ચોમાસામાં બેઠી હોય તે સ્થિતિ સારી અને ઉનાળામાં સંક્રાંતિ ઉભી હોય, તે સ્થિતિ સારી. કેમ કે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળી રહી છે.
કારતક મહિનો એટલે હેમંત ઋતુની શરૂઆતનો મહિનો ગણવો. મિત્રો આ મહિનામાં ધીરે ધીરે આકાશમાં ગર્ભ બનવાની શરૂઆત થાય છે. કારતક મહિનામાં જેટલો આછો ગર્ભ એટલે કે કસ કાતરા વાળો ગર્ભ હોય એ આવનારા ચોમાસા માટે વધારે અનુકૂળ ગણવો. કારતક મહિનામાં જો વાદળા જોવા મળે તે પણ આવનારા ચોમાસા માટે સારૂ ચિત્ર ગણવું.
કારતક મહિનામાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થતી જોવા મળતી હોય છે. મિત્રો કારતક મહિનામાં પવનનું જોર સારું એવું રહે અને ઠંડા પવનો ધીરે ધીરે શરૂ થવાનું શરૂ થતું હોય છે. આ ઠંડા પવનો સાથે જો આખો દિવસ ધીરે ધીરે પૂનમ પછી ઠંડા દિવસો જોવા મળે તો, આવનારું ચોમાસું બરાબર સેટ રહેશે.
મોટેભાગે કારતક મહિનામાં બપોરે તાપમાન ઊંચું જોવા મળતું હોય છે. જોકે આમાં કોઈ તકલીફ આવનારા ચોમાસામાં ઉભી થાય એવું જોવા મળતું હોતું નથી. કેમકે શિયાળાની શરૂઆત તદ્દન એક ઝાટકે થતી હોતી નથી. કારતક મહિનામાં ઠંડીની શરૂઆત થાય. ત્યારબાદ માગશર મહિનામાં ધીરે ધીરે ઠંડીનું સામ્રાજ્ય વધતું જતું હોય છે.
મિત્રો પ્રાચીન ગ્રંથમાંથી વિધિ વાત કારતક મહિનાને લગતા ભડલી વાક્યો આપણે ઉપર બતાવ્યા છે. તો કારતક મહિનાના જે તે વારે કેવા યોગનું નિર્માણ થાય એ મુજબ ભડલી વાક્યો મુજબ આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે દરેક ખેડૂત મિત્રોએ ખાસ અભ્યાસ કરવો. જોકે અર્વાચીન સમયમાં હવામાનના મોડલો આધારિત પણ આવનારું ચોમાસું કેવું રહેતું હોય છે, એ પણ સ્પષ્ટ જોવા મળતું હોય છે. પરંતુ જ્યારે આવા સમીકરણો જોવા માટે યંત્ર સાધનો ન હતા ત્યારે પ્રાચીનકાળમાં લોકો ભડલી વાક્યો ઉપરથી ચોમાસાનું અનુમાન લગાવતા.
જે જે મિત્રોએ ગયા વર્ષે કારતક મહિનામાં આપણે જે ભડલી વાક્યોના સિદ્ધાંતની વાત કરી હતી એ મુજબ કોઈએ અવલોકન કર્યું હોય, તો ખાસ કરીને આ વાત બંધ બેસતી જોવા મળી છે. કેમકે ગયા વર્ષનું ચોમાસું નબળું રહ્યું. જેનું કારણ આપણે જે સંક્રાંતિની વાત કરી હતી, એના યોગ ગયા વર્ષે ઉલટા જોવા મળ્યા હતા.
ગયા વર્ષે ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દુષ્કાળના ડાકલા જોવા મળ્યા હતા. જેમાં મુખ્યત્વે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ તેમજ રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોમાં વરસાદની મોટી ખાધ જોવા મળી હતી.
મિત્રો ગયા વર્ષે અલનીનોનું સામ્રાજ્ય જોવા મળ્યું. કેમકે છેલ્લા 100 વર્ષમાં જેટલો અલનીનો સક્રિય જોવા ન મળ્યો, તેટલો સક્રિય વર્ષ 2026 દરમિયાન જોવા મળ્યો. ગુજરાતમાં જ્યારે જ્યારે વરસાદનો રાઉન્ડ આવ્યો, ત્યારે ત્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વરસાદનો મોટો રાઉન્ડ કોઈપણ સિસ્ટમમાં જોવા મળ્યો નહીં. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ચિત્ર ખૂબ જ સારું રહ્યું.
પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ સરેરાશ કરતા ઓછો રહ્યો. એકાદ બે વિસ્તારોમાં વરસાદ સરેરાશની આજુબાજુ જોવા મળ્યો. તો ઘણા બધા વિસ્તારોમાં આ વિસ્તારોમાં પણ દુષ્કાળનું સામ્રાજ્ય જોવા મળ્યું.
અલીનોનું સામ્રાજ્ય અને કારતક મહિનાના ભડલી વાક્યો એકદમ બંધ બેસતા હતા. કેમકે કારતક મહિનાના ભડલી વાક્યો પ્રમાણે ગુજરાતના ઘણા વિસ્તારોમાં દુષ્કાળની સ્થિતિ ગયા વર્ષે જોવા મળતી હતી. અને એ મુજબ કરતક મહિના ના ભડલી વાક્યોનું વિધાન સ્પષ્ટ બન્યું.
તો મિત્રો આ વર્ષે આપણે સંપૂર્ણ દરેક મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી અહીં આપશું. દરેક ખેડૂત મિત્રોએ આ માહિતી દરેક મહિના દરમિયાન અભ્યાસ કરવી. જેથી આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંગે એક સ્પષ્ટ અને વિધિવત ખ્યાલ આપણે મળી જાય.
ખાસ નોંધ: મિત્રો અહીં આપણે જે ઉપર વાત ભડલી વાક્યો સંબંધીત રજૂ કરવામાં આવી છે, એ World Weather Radar વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી નથી. પરંતુ કારતક મહિનાના ભડલી વાક્યો આધારિત ઉપર રજૂ કરવામાં આવેલી તમામ માહિતી એ ભડલી વાક્યના ગ્રંથમાંથી માહિતી મેળવી અને રજૂ કરવામાં આવી છે. આ વાતની ખાસ નોંધ લેવી.