ફાગણ મહિનાના ભડલી વાક્યો

નમસ્તે મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે. અમારી આ વેબસાઈટ World Weather Radar ગ્રુપમાં જે ગુજરાતના હવામાન અંગેની નિયમિત માહિતી આપે છે. મિત્રો આજની આ ખૂબ જ મહત્વની પોસ્ટમાં ફાગણ મહિના આધારિત હવામાનના ચિત્રો આપણે જોવાના છે, તે મુજબ પ્રાચીન ગ્રંથો મુજબ અને ભડલી સંહિતા મુજબ ફાગણ મહિનામાં કેવી પરિસ્થિતિનું ચિત્ર જોવા મળે તો, આવનારું ચોમાસું કેવું રહે? એ અંતર્ગત ખૂબ જ સૂક્ષ્મ ગણિત દ્વારા આપણે માહિતી મેળવશું.

ફાગણ મહિનાનું હવામાન

મિત્રો ફાગણ મહિનો એટલે ઉનાળો બેસવાનો દરવાજો એવું ગણાય. કેમ કે કારતક, માગસર, પોષ અને મહા આ ચાર મહિના શિયાળાના હોય છે. ફાગણ મહિનાથી ઉનાળાની દમદાર શરૂઆત ધીરે ધીરે જોવા મળતી હોય છે. મિત્રો ફાગણ મહિનામાં મુખ્યત્વે હવામાન નહીં ઠંડી કે નહીં ગરમી એવું જોવા મળતું હોય છે. ફાગણ મહિનો એટલે વસંતઋતુનો મહિનો ગણવામાં આવે છે. ફાગણ અને ચૈત્ર આ બંને મહિના દરમિયાન વસંતઋતુ રહેતી હોય છે. એટલે આ મહિનામાં હવામાન આહલાદક જોવા મળતું હોય છે.

ફાગણ મહિનાનો એક ટૂંકમાં પહેલા ઉપર છરો સારાંશ મેળવીએ તો, ફાગણ મહિનામાં ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય તો, ઋતુ નિયમિત અને બેલેન્સમાં છે એમ ગણવી. ફાગણ મહિનામાં આકાશ વધુ પડતું ચોખ્ખું રહે એ આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણવી. એટલે કે આવનારા ચોમાસામાં વરસાદ નિયમિત રીતે આવતો રહેશે. મિત્રો ફાગણ મહિનામાં બને ત્યાં સુધી અંજવાળિયા પક્ષમાં વાદળાનો માહોલ જોવા મળે તો, પણ સારું પરંતુ વરસાદ પડવો જોઈએ નહીં. એટલે કે ફાગણ મહિનાનું માવઠું આવનારા ચોમાસા માટે નુકસાન રૂપ સાબિત થાય છે.

ફાગણ મહિનો બેસતાની સાથે ખાખરા નામના વૃક્ષમાં જો કેસુડા નિયમિત સમયે બેસી જાય. એટલે કે કેશુડાના ફૂલ જોવા મળે તો, પણ આવનારા ચોમાસા માટે એ એક સારી નિશાની ગણાય. કેમ કે ફાગણ સુદ પૂનમના દિવસે ઉતાસણીનો તહેવાર પણ આવતો હોય છે. અને આ તહેવારના 15 થી 20 દિવસ પહેલા જો ખાખરાના વૃક્ષ ઉપર કેસુડાના ફૂલનું આગમન થાય તો, આવનારું ચોમાસું નિયમિત રહેશે અને ચોમાસા દરમિયાન વરસાદ પણ સારો રહેશે.

મિત્રો ફાગણ મહિનાની પૂનમના દિવસે જે હોળીનો તહેવાર આવે છે. જ્યારે હોળી રાત્રે પ્રગટે ત્યારે શુભ મુહૂર્તમાં પવનની દિશાનું ખાસ અવલોકન કરવું. જેમ કે હોળી પ્રગટતી સમયે પૂર્વનો પવન વાય પશ્ચિમનો પવન વાય ઉત્તરનો પવન વાય કે દક્ષિણનો પવન વાય સાથે સાથે કયા ખૂણામાંથી પવન ફૂંકાય. જેમ કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય જે ખૂણામાંથી પવન ફૂંકાય તો, આવનારા ચોમાસામાં શું અસર થાય. એ અંગેની માહિતી આપણે એક નવી પોસ્ટમાં મેળવવાની કોશિશ કરશું.

ફાગણ મહિનાના ભડલી વાક્યો

મિત્રો ફાગણ સુદ પડવાના દિવસે એટલે કે ફાગણ મહિનાની અંજવાળી એકમના દિવસે શતતારકા નામનું નક્ષત્ર હોય તો, તે વર્ષે દુષ્કાળ પડે. આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે. ફાગણ સુદ સાતમ, આઠમ અને નોમના દિવસે જો મેઘ ગર્જના સંભળાય તો, ભાદરવા મહિનાની અમાસે વરસાદ આવે આવે અને આવે. કેમકે આ ભારપૂર્વકની વાત ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.

મિત્રો ફાગણ મહિનાની હોળીની ઝાળ ઉંચે અને ઉંચે જો સીધી આકાશમાં જાય અને પવન ન હોય તો, યુદ્ધ થાય. ચારેય દિશાનો પવન ફૂંકાય તો વરસાદ સારો થાય. જો દક્ષિણનો પવન ફૂંકાય તો દુષ્કાળના ચિત્રો સામે આવે. પૂર્વનો પવન મધ્યમ વરસાદ લાવે 50% વરસાદની આશા રાખવી. પશ્ચિમનો પવન 16 આની વર્ષ સૂચવે છે એટલે કે લીલાલેર કરે. અગ્નિ ખૂણાનો પવન હોય તો સારું ન ગણવું. એકદમ વર્ષ નબળું થાય. વાયવ્યનો પવન હોય તો, વરસાદ ભરપૂર લાવે અને ઈશાનનો પવન પણ ધરાને તરબોળ કરે.

મિત્રો પૂર્ણિમાંત ફાગણ માસની વદ બીજના દિવસે જો આકાશ ચોખ્ખું હોય, વાદળા વીજળી કાંઈ પણ ન હોય તો, પૂર્ણિમાંત શ્રાવણ અને ભાદરવા મહિનામાં ખાસ કરીને આ ત્રીજના દિવસે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળે. માટે દર વર્ષે આ વિધાનનું ખાસ અવલોકન કરવું જેથી આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ થાય.

હવે એક ફાગણ મહિનાનું ભડલી સંહિતા મુજબ એક બીજું વિધાન જોઈએ તો, પૂર્ણિમાંત ફાગણ મહિનાની અમાસે જો મંગળવાર આવતો હોય તો, લાંબો દુષ્કાળ ગણવો એટલે કે બીજા વર્ષે માવઠા પણ જોવા ન મળે આવું ચિત્ર ઉભું થાય. માટે ગુજરાતના ખેડૂત મિત્રોએ આ વાતનું પણ દર વર્ષે ખાસ અવલોકન કરવું.

હવે મિત્રો પૂર્ણિમાંત ફાગણ મહિનામાં શુક્રનો જો અસ્ત થાય તો, જે ખેડૂતો માલધારી હોય, ઢોર ઢાખર રાખતા હોય એને પણ છાશના પણ ફાફા પડે એવી પરિસ્થિતિનું નિર્માણ ઊભું થાય. કેમ કે આવી વાત ભડલી વાક્યોમાં જોવા મળે છે.

મિત્રો ફાગણ મહિનાના ભડલી વાક્યો આધારિત એક બીજી વાતનો ઉલ્લેખ જોઈએ. તો આ મહિનામાં એટલે કે ફાગણ મહિનામાં જો પાંચ શનિવાર આવતો હોય તો, દુષ્કાળ અને ભૂખમરો ઊભો થાય. કેમ કે આવી વાત ફાગણ મહિનાના ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.

ફાગણ મહિનાના દિવસો દરમિયાન મિત્રો એક પ્રાચીન અનુભવ ખાસ કરવો. ફાગણ મહિનામાં જો દેશી બોરડી જેને આપણે ચણીયા બોર પણ કહીએ છીએ. આ બોરડીમાં જો નવી કુણપ દેખાય એટલે ધારમાં રહેલી દેશી બોરડી જો ફાગણ મહિનામાં લીલીછમ જોવા મળે તો, આવનારું ચોમાસું નબળું રહેશે. એનાથી વિપરીત જો ફાગણ મહિનાના દિવસો દરમિયાન આ દેશી બોરડીમાં નવી કુણપ જોવા ન મળે અને એકદમ પર્ણ રહિત હોય તો, આવનારું ચોમાસું ટનાટન રહેશે. કેમકે આ પ્રાચીન વિધાનનું પણ અનુભવ કરવા જેવું છે.

તો મિત્રો ઉપર જે ફાગણ મહિનાના ભડલી વાક્યો આધારિત આપણે દરેક દિવસે જો કેવા યોગનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું કેવું રહે? એ અંગે દરેક મિત્રોએ ખાસ અવલોકન કરવું. જોકે આ એક ભડલી વાક્યનું સૂક્ષ્મ ગણિત હોવાથી દર વર્ષે જો આપણે ભડલી વાક્ય મુજબ દરેક મહિનામાં જે જે ચિત્રો જોવા મળતા હોય છે, એનો ખાસ જો અભ્યાસ કરીએ તો જ આપણે ખબર પડે કે, ભડલી વાક્યોમાં કેટલી સત્યતા છુપાયેલી હોય છે. માટે ઉપર આપણે જે ફાગણ મહિનાના ભડલી વાક્યો જે જે અસર કરનારા મુખ્યત્વે ભડલી વાક્યમાં વર્ણવવામાં આવ્યા છે, તે દરેક વાક્યોની માહિતી આપણે આપી છે.

ફાગણ મહિનો અને ઠંડી ગરમી

મિત્રો ફાગણ મહિનાને મિક્સ ઋતુનો મહિનો ગણવામાં આવે છે. ખાસ કરીને ફાગણ મહિનામાં સવારમાં ગુલાબી ઠંડી જોવા મળતી હોય છે. જેમ જેમ દિવસ આગળ વધતો જાય છે તેમ તેમ ગરમીનો માહોલ બનતો જાય છે. એવી જ રીતના રાત્રે પણ ગરમીનો માહોલ એકદમ વધારે હોતો નથી. જેમ જેમ રાત પસાર થતી જાય છે, તેમ તેમ થોડીક ઠંડી એટલે કે ગુલાબી ઠંડીનો અહેસાસ ફાગણ મહિનાના પ્રથમ 15 દિવસમાં જોવા મળતો હોય છે. જે ઋતુની એકદમ નિયમિતતા બતાવે છે.

ફાગણ મહિનામાં મુખ્યત્વે ઝાકળના મોટા મોટા રાઉન્ડ જોવા મળતા હોય છે. ફાગણ મહિનામાં ઝાકળ વર્ષાનું આગમન થતું હોય છે. જે ગરમી આપનારું પુરવાર થતું હોય છે. ઝાકળ આવવાથી સવારે તાપમાન એકદમ નીચું જોવા મળતું હોય છે. પરંતુ ઝાકળ વર્ષાને કારણે બપોર બાદ ઉંચું તાપમાન જોવા મળતું હોય છે અને સાથે સાથે આકાશમાં છુટા છવાયા વાદળા બનતા જોવા મળતા હોય છે.

મિત્રો ફાગણ મહિનામાં શરૂ થતી ઝાકળ વર્ષાના મોટા મોટા રાઉન્ડ જોવા મળતા હોય છે. જો એક વાતનું ખાસ અવલોકન કરવું, જે દિવસે ઝાકળ વર્ષાની શરૂઆત થઈ હોય અને જો એક દિવસ આવીને ચાલી જાય તો, પાછળ ઝાકળ આવશે નહીં. પરંતુ જો એક દિવસ આવી અને બીજા દિવસે પણ આવે તો, ત્રણ દિવસનો રાઉન્ડ ગણવો. અને ચોથા દિવસે પણ જો ઝાકળ વર્ષાનું આગમન જણાય તો, તે ઝાકળ વરસાદનો રાઉન્ડ છ દિવસ સુધી લાંબો ચાલશે. માટે આ વાતનું દરેક ખેડૂત મિત્રોએ ખાસ અવલોકન કરવું.

મિત્રો ફાગણ મહિનાના ભડલી વાક્યો મુજબ એક ટૂંકમાં સારાંશ મેળવીયે તો, ફાગણ મહિનામાં ઝાકળ વર્ષા ભલે આવે એ કોઈ નબળું ફળ ગણાય નહીં. પરંતુ ફાગણ મહિનામાં માવઠું થવું ન જોઈએ. એટલે કે કમોસમી વરસાદનો રાઉન્ડ આવવો જોઈએ નહીં. ફાગણ મહિનામાં ધીરે ધીરે ઠંડી ગાયબ થતી જાય અને ગરમીનો માહોલ જોવા મળે તો ઋતુ બેલેન્સમાં છે. અને ઉનાળો પણ એના રૂપમાં જોવા મળશે. અને સાથે સાથે આવનારું ચોમાસું પણ સારું આવશે. માટે ફાગણ મહિનાના ભડલી વાક્યોનો દરેક વાતનો અભ્યાસ કરવાથી આપણે આવનારા ચોમાસા અંગેની કંઈક અંશે માહિતી મેળવી શકીયે, કે આવનારું ચોમાસું સારું રહેશે કે દુષ્કાળમય પણ રહેશે.

ભડલી વાક્ય મુજબ ફાગણ મહિનાના માવઠાને સારું માનવામાં આવ્યું નથી. ફાગણ મહિનાના અંજવાડિયા પક્ષમાં કે અંધારીયા પક્ષમાં થતું માવઠું આવનારા ચોમાસામાં ખલેલ ઊભું કરે છે. માટે ફાગણ મહિનો બંને તેટલો ચોખ્ખો રહે એટલે કે ફાગણ મહિનાનું આકાશ જેટલું ચોખ્ખું રહે એટલું આવનારા ચોમાસા માટે વિશેષ ગણાય. ફાગણ મહિનામાં છૂટાછવાયા દિવસોમાં આકાશમાં વાદળોનો માહોલ જોવા મળે તો, એ કોઈ નબળું ફળ આપનાર નથી .પરંતુ કમોસમી વરસાદ ફાગણ મહિનાના દિવસોમાં થવો જોઈએ નહીં. જે આવનારા ચોમાસા માટે શ્રેષ્ઠ ગણી શકાય.

Disclaimer: મિત્રો આ પોસ્ટમાં ફાગણ મહિના ભડલી વાક્યોની જે માહિતી રજૂ કરવામાં આવી છે, તે World Weather Radar વેબસાઈટની પર્સનલ માહિતી નથી. આ માહિતી ભડલી સંહિતામાંથી લેવામાં આવેલી છે. આ વાતની નોંધ દરેક મિત્રોએ ખાસ લેવી.

← પાછા મુખ્ય પેજ પર જાઓ