ચૈત્ર મહિનાના ભડલી વાક્યો અને હવામાન

નમસ્કાર મિત્રો આજની આ ખૂબ જ મહત્વની હવામાન પોસ્ટમાં આપણે ચૈત્ર મહિનાના ભડલી વાક્યોનો અભ્યાસ કરશું. મિત્રો ચૈત્ર મહિનામાં કેવા પરિસ્થિતિ ઉદ્ભવે એટલે કે ભડલી વાક્યો મુજબ ચૈત્ર મહિનામાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો, આવનારું ચોમાસું કેવું રહેશે? એ અંતર્ગત આપણે આ પોસ્ટમાં ખૂબ જ ખેડૂત ઉપયોગી માહિતી વિશેની વિસ્તારથી ચર્ચા કરશું. જેથી આવનારા ચોમાસામાં વરસાદની સંભાવના કેવી રહેશે? એ અંગે આપણે આશિક ચોમાસું હવામાન અંગેની માહિતી મેળવી શકશું

ચૈત્ર મહિનાનું હવામાન

મિત્રો ઉનાળાની શરૂઆતનો બીજો મહિનો એટલે ચૈત્ર મહિનો. ફાગણ અને ચૈત્ર, વૈશાખ અને જેઠ આમ ચાર મહિના ઉનાળાના ગણાય છે. એમાં આ બીજો મહિનો એટલે ચૈત્ર મહિનો. ચૈત્ર મહિનાનું હવામાન મુખ્યત્વે ગરમ રહેતું હોય છે. સમગ્ર ભારતની સાથે સાથે ગુજરાતમાં પણ ચૈત્ર મહિનામાં ઉનાળુ પવન ફૂલ સ્પીડે ફુકાતા હોય છે અને ગરમીનો પારો ઊંચો રહેતો હોય છે.

ચૈત્ર મહિનામાં દનૈયા પણ આવતા હોય છે. એટલે ખેડૂતો માટે આવનારું ચોમાસું કેવું રહેશે એ અંગેનું અનુમાન મેળવવા માટે ચૈત્ર મહિનો શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ટૂંકમાં મિત્રો ચૈત્ર મહિનાનું હવામાન જેટલું ગરમ અને આકાશ સ્વચ્છ રહે એટલે કે વાદળ વિહોણું રહે એટલું જ આવનારૂ ચોમાસું સારું આવે છે.

ચૈત્ર મહિનામાં મુખ્યત્વે પશ્ચિમના પવન ફૂંકાતા હોય છે. મિત્રો ચૈત્ર મહિનામાં જો કમોસમી વરસાદ ન થાય અને સમગ્ર મહિના દરમિયાન ગરમીના પ્રકોપ સાથે આકાશ એકદમ ચોખ્ખું જણાય તો, આવનારું ચોમાસું ખૂબ જ જમાવટ કરશે. આ અંગે કોઈ શંકા કરવી નહીં. ચૈત્ર અને વૈશાખ મહિનાનું હવામાન જો ગરમીના પ્રકોપ સાથે બેલેન્સ રહે એટલે કે આ મહિના દરમિયાન જો માવઠાના માહોલ જોવા ન મળે તો, ચોમાસામાં તેની કોઈ વિપરીત અસર પડતી નથી. માટે મિત્રો આવનારૂ ચોમાસું જમાવટ કરશે અને સાથે સાથે ચોમાસામાં વાયરાની સંભાવના પણ નહીવત થઈ જશે.

ચૈત્ર મહિનાના ભડલી વાક્યો

મિત્રો ચૈત્ર મહિનામાં ચંદ્રના એટલે કે દનૈયા અંગેની વાત કરીએ તો, અદ્રાથી માંડીને સ્વાતિ નક્ષત્રનું દરરોજ અવલોકન કરવું. એને ચૈત્રી દનૈયા કહેવાય છે. આ અંદાજિત 10 નક્ષત્રોમાં 10 દિવસો દરમિયાન જો દનૈયા બરાબર તપે તો, ચોમાસા દરમિયાન સૂર્ય નક્ષત્ર આદ્રાથી માંડીને સ્વાતિ નક્ષત્ર સુધી ખૂબ જ સારો વરસાદ થાય. આ દિવસો દરમિયાન દનૈયામાં એટલે કે દનૈયા નક્ષત્રોમાં વાદળ, વીજળી, ધૂળ કરા જો થાય તો, એટલે ગર્ભ ગળ્યો ગણાય. માટે ચોમાસામાં જે તે નક્ષત્રમાં આવું વિધાન જોવા મળે તે નક્ષત્રમાં વરસાદની સંભાવના ઓછી રહે છે. ટૂંકમાં આ નવ દસ દિવસ દરમિયાન જેટલી ગરમી પડે એટલા ચોમાસા માટે સારા પરિબળ ગણાય અને આવનારું ચોમાસું ખૂબ જ જમાવટ કરે.

ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ ચૈત્ર સુદ પક્ષમાં રેવતી, વૈશાખમાં ભરણી, જેઠમાં મૃગશીર્ષ દેખાય તો, અષાઢ મહિને પુનર્વસું નક્ષત્ર જોરદાર વરસે. અને જો પુનર્વસું નક્ષત્ર વરસે તો, ખેત ઉત્પાદન વધુ મળે. માટે આ વાતનું ખાસ અવલોકન કરવું.

ચૈત્રી વર્ષારંભના દિવસે તિથિ નક્ષત્ર અને યોગના ભોગવટાનો સમય પંચાગમાં જોઈ સરખાવો. જો તિથિ વધારે હોય તો, એ વર્ષમાં ઘાસચારો વધુ થાય. નક્ષત્ર જો વધારે હોય તો, તે વર્ષે અનાજ વધારે થાય. જેટલા વધારે યોગ હોય તો, તે વર્ષે રોગચાળો વધારે થાય. પૂનમના દિવસે બુધવાર કે ગુરૂવાર હોય તો, તે વર્ષે વરસાદ સારા થાય અને લોકો સુખી થાય. માટે ચૈત્ર મહિનો બેસવાની સાથે જ પંચાંગમાં દર વર્ષે આ યોગનો અનુભવ કરવો કે, કેટલા યોગ જોવા મળે છે.

હવે એક ખાસ વાત ચૈત્ર મહિનાના ભડલી વાક્યો મુજબ ચૈત્ર વદ પાચમથી 10 દિવસ આકાશ જો નિર્મળ રહે, ગર્ભ ન ગળે એટલે કે જો કોઈ કોમોસમી વરસાદ ન થાય તો, ચોમાસામાં અતિપૂર્ણ વરસાદ વરસે. દુ:ખ ગરીબી હટે અને લોકો મહા સુખી થાય. ચૈત્ર સુદ પૂનમે મેઘ ગર્જના સાથે જો છાટા છૂટી અથવા તો ભારે વરસાદ થાય તો, આવનારું ચોમાસું ભડલી વાક્ય મુજબ નિષ્ફળ જાય.

એક મિત્રો ખાસ સમજવા જેવી વાત. જે તે પ્રદેશ કે લોકલ સ્થળે ચૈત્ર સુદ પક્ષમાં આઠ દિવસ જો સતત વરસાદ આવે અને નોમને દિવસે વીજળી થાય તો, તે પ્રદેશમાં ભયંકર દુષ્કાળના યોગ ઉભા થાય. આવી વાત ચૈત્ર મહિનાના ભડલી વાક્યમાં જોવા મળી રહી છે. મિત્રો ચૈત્ર સુદ પાંચમે રોહિણી નક્ષત્રનો યોગ હોય તો, તે વર્ષે અષાઢ મહિનામાં વરસાદ થાય નહીં. આવી વાત પણ ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.

ચૈત્ર મહિનાના ભડલી વાક્ય મુજબ ચૈત્ર સુદ સાતમે એટલે કે ચૈત્ર મહિનાની અંજવાળી સાતમે જો પુષ્ય નક્ષત્રનો યોગ હોય તો, તે વર્ષે શ્રાવણ મહિનામાં વરસાદ ખૂબ જ ઓછો થાય. ચૈત્ર મહિનાની અંજવાળી નોમનો પણ વિચાર કરવો. ચૈત્ર સુદ નોમના દિવસે જો પુષ્ય નક્ષત્ર હોય તો, અને તે વરસે એટલે કે નોમના દિવસે જો વરસાદ થાય તો, ભાદરવો મહિનો કોરો જાય. આવી વાત ચૈત્ર મહિનાના ભડલી વાક્યમાં જોવા મળી રહી છે. મિત્રો ચૈત્ર સુદ પૂનમના દિવસે જો ચિત્રા નક્ષત્રનો યોગ હોય અને આ દિવસે છાટા છૂટી જો થાય. એટલે કે કમોસમી વરસાદ થાય તો, આસો મહિનામાં વરસાદની ખેંચ ઉભી થાય. માટે આ દિવસનું ખાસ અવલોકન કરવું.

ચૈત્ર મહિનાના પાછલા પખવાડિયામાં એક ખાસ અવલોકન કરવું. જો ચૈત્ર મહિનાના પાછલા પખવાડિયામાં કડવા લીમડામાં ફૂલનું આગમન થાય તો, ઋતુ નિયમિત છે એવું ચોક્કસ પણે જાણવું. આ ફૂલમાંથી ધીરે ધીરે ફળ પરીપકવ થાય તેને આપણે લીંબોડિયા કહીએ છીએ. આ લીંબોડિયા જ્યારે પીળા થઈને જમીન ઉપર નીચે પડે, ત્યારે ચોમાસાનો પ્રથમ વરસાદ થાય. આવો વાવણી લાયક વરસાદ દર વર્ષે જોવા મળતો હોય છે. માટે આ કડવા લીમડાના ફુલનું ચૈત્ર મહિનામાં પાછલા પખવાડિયામાં ખાસ અવલોકન કરવું.

ચૈત્ર મહિનામાં એક ખાસ અવલોકન કરવું. મિત્રો ચૈત્ર મહિનાની અમાસે પ્રથમ તો સૂર્ય ક્યાં આથમે છે? એ નિશાની જોઈ રાખવી. પછી બીજના દિવસે ચંદ્ર તે સૂર્યથી કઈ જગ્યાએ છે? તે ખાસ જોવું. જો સૂર્યથી ચંદ્ર ઉત્તર દિશામાં હોય તો, તે સારું ચોમાસું ગણવું. સૂર્ય જ્યાં આથમ્યો હતો ત્યાં જ ચંદ્ર હોય તો, મધ્યમ ચોમાસું ગણવું અને જો દક્ષિણે ચંદ્ર હોય તો, દુષ્કાળની નિશાની ગણવી. કેમ કે આ વાત ચૈત્ર મહિનાના ભડલી વાક્યમાં જોવા મળી રહી છે. માટે આ યોગનું ખાસ અવલોકન કરવું.

એટલે મિત્રો આપણે ઉપર જે ચૈત્ર મહિનાના ભડલી વાક્યો જણાવ્યા છે. એ મુજબ દર વર્ષે ચૈત્ર મહિનાના આ દિવસો દરમિયાન ખાસ અવલોકન કરવું. અને ક્યાં યોગનું કેવું નિર્માણ જોવા મળે છે? એ મુજબ જ આવનારું ચોમાસું ચીત્ર રહેશે. કેમકે આ એક પ્રાચીન વિજ્ઞાનનું અવલોકન છે. માટે જો તમે દર વર્ષે આ અનુભવ કરો તો, ચોમાસામાં તેની કેવી અસર જોવા મળે છે? એ અંગે આપણે પણ એક અભ્યાસ કરી શકીએ.

ચૈત્ર મહિનો અને કરાનો વરસાદ

ચૈત્ર મહિનામાં આકરો તાપ પડતો હોય છે. સૂર્યનારાયણ ભગવાન આગના ગોળા વરસાવતા હોય એવું ફીલિંગ ચૈત્ર મહિનામાં આપણે જોવા મળતું હોય છે. ચૈત્ર મહિનામાં કમોસમી વરસાદ પણ પડતો હોય છે. અને મોટે ભાગે ગરમીનો માહોલ એટલે કે હીટવેવ અતિ ભયંકર હોવાથી ચૈત્ર મહિનામાં થતો વરસાદ કરા સાથે પડતો હોય છે. એટલે કરાનો વરસાદ મોટેભાગે ચૈત્ર મહિનામાં જોવા મળતો હોય છે. અને આ કરા ક્યારેક ક્યારેક તો ખૂબ જ મોટી સાઇઝમાં જોવા મળતા હોય છે. જે ભારે નુકસાની નોતરતા હોય છે.

ચૈત્ર મહિનામાં જ્યારે જ્યારે કરાનો વરસાદ થતો હોય છે. ત્યારે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં વધારે જોવા મળતો હોય છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, એમાં પણ મધ્ય સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન કરાનો વરસાદ ઘણા વર્ષે જોવા મળતો હોય છે. જેમાં અમરેલીની આજુબાજુના વિસ્તારોમાં મોટેભાગે ભારે કરાનો વરસાદ જોવા મળતો હોય છે. જેનું મુખ્ય રીઝન હીટવેવની સાથે સાથે મીડ લેવલે જ્યારે ભેજનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, ત્યારે કેપ ઇન્ડેક્ષ ઊંચો રહેવાથી કરાનો વરસાદ આ ચૈત્ર મહિનાના દિવસોમાં જોવા મળતો હોય છે.

આ દિવસોમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ઉનાળુ પિયતનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેમાં મગફળી અને તલનું વિશેષ કરીને વધારે વાવેતર જોવા મળતું હોય છે. આ વાવેતરમાં હજી લલણીનો સમય ન હોવાથી આ દિવસોમાં એટલે કે ચૈત્ર મહિનાના દિવસોમાં દરમિયાન કરાનો વરસાદ પડતો હોવાથી આ પાકોમાં ખૂબ જ મોટી નુકસાની જોવા મળતી હોય છે. અને ખેડૂતોએ જેનો આર્થિક નુકશાનીનો બોજ સહન કરવો પડતો હોય છે.

ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન હીટવેવનો માહોલ હોય અને ત્યારે કમોસમી વરસાદ પડતો હોય છે. મોટેભાગે બપોર બાદ આવું હવામાન ઊભું થતું હોય છે. કરાના વરસાદની સાથે ભારેથી અતિ ભારે પવન પણ ફૂકાતો આ દિવસોમાં જોવા મળતો હોય છે. જેને આપણે મીની વાવાઝોડું પણ ગણીએ છીએ. પરંતુ આનો વિસ્તાર વ્યાપક વિસ્તાર હોતો નથી. એટલે કે આ વરસાદ સાર્વત્રિક વરસાદ હોતો નથી. જે તે સ્થળની આજુબાજુમાં 5 થી 15 કિલોમીટરની રેન્જમાં આવો કરાનો વરસાદ ચૈત્ર મહિનાના ઘણા દિવસોમાં જોવા મળતો હોય છે.

ચૈત્ર મહિનાના ભડલી વાક્યો અને સારાંશ

મિત્રો ભડલી વાક્ય મુજબ ચૈત્ર મહિનાના ભડલી વાક્યોનો ટૂંકમાં સારાંશ મેળવીયે. તો ચૈત્ર મહિનો જેટલો ચોખ્ખો રહે એટલું આવનારું ચોમાસું સારું રહે. ચૈત્ર મહિનામાં માવઠાનો માહોલ ઉભો ન થાય એ આવનારા ચોમાસા માટે સારી નિશાની ગણાય છે. ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન જે દનૈયા બેસતા હોય છે, આ દિવસો દરમિયાન જેટલી આકરી ગરમી એટલું જ આવનારૂ ચોમાસું સારું અને મજબૂત રહે. ટૂંકમાં મિત્રો ચૈત્ર મહિનામાં ગરમીના માહોલની સાથે સાથે હવામાન ચોખ્ખું રહેવું જોઈએ. અને કમોસમી વરસાદ થાય તો, આવનારું ચોમાસું ટનાટન રહે છે.

ચૈત્ર મહિનાના દિવસો દરમિયાન ગરમાળાના વૃક્ષનું ખાસ અવલોકન કરવું. જો આ મહિનામાં ગરમાળાના વૃક્ષમાં ફૂલનું આગમન થાય તો, તે દિવસથી ગણતરી કરીને 45 માં દિવસે વરસાદની શરૂઆત થતી દર વર્ષે જોવા મળે છે. એટલે કે ગરમાળાના વૃક્ષમાં ફૂલનું આગમન થયા બાદ દોઢ મહિને વરસાદનું આગમન થાય. માટે ચૈત્ર મહિનામાં ગરમાળાના ફૂલનું પણ ખાસ અવલોકન કરવું. જેથી આપણે વાવણીનો પ્રથમ વરસાદ ક્યારે પડશે? એ અંગેનું પણ એક અનુમાન મેળવી શકીએ.

ખાસ નોંધ: મિત્રો ઉપર રજૂ કરવામાં આવેલી ચૈત્ર મહિનાના ભડલી વાક્યો અંગેની માહિતી એ World Weather Radar વેબસાઇટની પર્સનલ માહિતી નથી. આ માહિતી અમે ભડલી સંહિતામાંથી એકત્રિત કરીને અહી રજૂ કરવામાં આવી છે. માટે આ વાતની ખાસ નોંધ લેવી. ખૂબ ખૂબ આભાર.

← પાછા મુખ્ય પેજ પર જાઓ