બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં વરસાદ ક્યારે લાવે?
ગુજરાતમાં ચોમાસાનું આગમન થયા પછી સમગ્ર ચોમાસાની સિઝનના વરસાદનો જે મુખ્ય આધારનો સ્ત્રોત ગણાય, તે છે બંગાળની ખાડી. તો મિત્રો આ પોસ્ટમાં બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં વરસાદ ક્યારે લાવે? કેવી પ્રણાલિકાનું નિર્માણ થાય, ત્યારે બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત રાજ્ય ઉપર પસાર થાય, અને ભારેથી અતિ ભારે વરસાદના યોગનું નિર્માણ કરે. આ વિષય પર આપણે વિસ્તારથી માહિતી મેળવીએ.
ગુજરાત રાજ્યનું ભૌગોલિક ચિત્ર
ચોમાસાનું આગમન થયા પછી ગુજરાત રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ દરેક ક્ષેત્રમાં અલગ અલગ જોવા મળતી હોય છે. ગુજરાત રાજ્યનું ભૌગોલિક ચિત્ર જોઈએ તો, ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આમ આટલા વિભાગ અલગ પડે છે. વરસાદની પ્રણાલિકામાં આ દરેક વિસ્તારોમાં વરસાદની માત્રા વધતી ઓછી દરેક વર્ષે જોવા મળતી હોય છે.
જ્યારે જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવતી જોવા મળતી હોય ત્યારે સર્વ પ્રથમ પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમની અસર પ્રથમ જોવા મળતી હોય છે. કેમકે આ વિસ્તારો પૂર્વના હોવાથી સૌથી પ્રથમ અસર આ વિસ્તારોમાં જોવા મળે છે. કેમકે બંગાળની ખાડીની સિસ્ટમ 80% મધ્યપ્રદેશ રાજ્યને પસાર કરીને ગુજરાત તરફ આગળ વધતી હોય છે. એટલે સર્વપ્રથમ આ વિસ્તારોમાં વરસાદની સિસ્ટમની અસર હિટ થાય છે.
બંગાળની ખાડી અને વરસાદની સિસ્ટમનું સર્જન
ભારતમાં જ્યારથી દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઓનસેટ થવાની સાથે જ બંગાળની ખાડીના પવનો સક્રિય બનતા હોય છે. વરસાદની સિસ્ટમ એક્ટિવ થવામાં બંગાળની ખાડીમાં જે પવનો ફૂંકાતા હોય એ કર્વ થવા ખૂબ જ જરૂરી છે. એટલે કે વળાંક લેતા હોવા ખૂબ જ જરૂરી છે. જ્યારે આ પવનો પશ્ચિમ દિશાએથી આવીને ફરીથી વળાંક લઈને ભારતના પશ્ચિમી ક્ષેત્રોના મેદાન વિસ્તારોમાં પ્રવેશે ત્યારે આવા તબક્કામાં વરસાદની સિસ્ટમનું સર્જન થાય છે. જેને આપણે લો પ્રેશર સિસ્ટમ પણ કહીએ છીએ.
અરબ સાગરમાંથી ફૂલ સ્પીડે ફૂંકાતા ચોમાસું પવનો જ્યારે મધ્ય ભારતમાંથી પસાર થઈને બંગાળની ખાડીમાં આવે છે, ત્યારે આ પવનો વળાંકી પેટર્નમાં જોવા મળે છે. ત્યારબાદ પ્રારંભિક તબક્કામાં બંગાળની ખાડીમાં અપર લેવલે સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થાય છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન વધારે મજબૂત અવસ્થામાં ફેરવાયા પછી મીડ લેવલે અને ત્યારબાદ સરફેસ લેવલે આ સર્ક્યુલેશન સ્ટ્રોંગ બનવાથી પ્રથમ તબક્કાની લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ બંગાળની ખાડીમાં થાય છે.
બંગાળની ખાડીમાં આ વરસાદની સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાયા બાદ એકાદ બે દિવસ જે-તે લોકેશનમાં સિસ્ટમ ડેવલપ થઈ હોય ત્યાં જ જોવા મળતી હોય છે. ત્યારબાદ ધીરે ધીરે આ સિસ્ટમ પશ્ચિમ ભારત તરફ ફંટાય છે. જો મોનસુન એક્સિસ એ સમયગાળા દરમિયાન નોર્મલ કરતાં વધારે દક્ષિણમાં હોય તો, આ સિસ્ટમ છત્તીસગઢ પરથી પસાર થઈને ઉત્તર મહારાષ્ટ્ર તરફ આવે છે. અને જો મોનસુન એક્સિસ સામાન્ય કરતા વધારે ઉત્તરમાં હોય તો, આ સિસ્ટમ મધ્યપ્રદેશ અથવા તો મધ્યપ્રદેશથી થોડીક ઉત્તરે પસાર થઈને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી આવે છે.
ગુજરાતમાં વરસાદ ક્યારે લાવે
હવે આપણે મુખ્ય ટોપિક પર આવીએ. બંગાળની ખાડીમાં સિસ્ટમ ઉદ્ભવ્યા બાદ આ સિસ્ટમ ગુજરાતને વરસાદનો લાભ ક્યારે થાય? આ બાબત ઉપર હવે આપણે ચર્ચા કરીએ. કેમ કે મોટાભાગે જો ચોમાસું ધરી સામાન્ય સ્થિતિ કરતા વધારે પડતી ઉત્તર ભારતના વિસ્તારોમાં જણાય તો, બંગાળની ખાડીની સિસ્ટમના વરસાદથી મોટેભાગે ગુજરાત વંચિત રહી જાય છે. જો આવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળે તો, કંઈક અંશે ઉત્તર ગુજરાત તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોને આ બંગાળની ખાડીના સિસ્ટમના વરસાદનો લાભ મળે છે. પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારો આ સિસ્ટમની અસરથી વંચિત રહી જાય છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમનું સર્જન થયા બાદ આ સિસ્ટમ જ્યારે પશ્ચિમ દિશા તરફ ટ્રાવેલિંગ કરે છે, ત્યારે ગુજરાતમાં કેવા કેવા પરિબળો ફેવરેબલ હોવા જોઈએ અંગેની હવે આપણે વાત કરીએ. પ્રથમ તો ચોમાસું ધરી નોર્મલ કરતાં વધારે દક્ષિણમાં હોવી ખૂબ જ જરૂરી છે. બીજા સિદ્ધાંતની વાત કરીએ તો, ચોમાસામાં મોટે ભાગે ગુજરાતના વાતાવરણમાં સરફેસ લેવલે તો પુષ્કળ માત્રામાં ભેજ જોવા મળતો હોય છે. પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત તરફ આવતી હોય ત્યારે સરફેસ લેવલની સાથે સાથે મીડ લેવલ તેમજ અપર લેવલે ભેજની માત્રા પુષ્કળ હોવી જરૂરી છે. ગુજરાતમાં જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ગુજરાતને વરસાદ આપે છે.
હવે એક બીજા મહત્વના પરિબળની વાત કરીએ. બંગાળની ખાડીની સિસ્ટમ જ્યારે પૂર્વ ગુજરાતની આજુબાજુ આવે છે, ત્યારે અરબ સાગરમાંથી ભેજવાળા પવનો ગુજરાતમાં ફૂંકાતા હોય છે. આ પવનોમાં ભેજની માત્રા ખૂબ જ હોવી જરૂરી છે. કેમકે જ્યારે જ્યારે કોઈપણ વરસાદની સિસ્ટમ કોઈપણ રાજ્યમાં ત્યારે જ અસર કરે છે, કે જ્યારે દરિયાના ભેજવાળા પવનો વરસાદની સિસ્ટમને ભરણપોષણ કરે છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો, બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ આવ્યા બાદ સર્ક્યુલેશનના ગર્ભમાં ભેજનું પ્રમાણ વધારવા માટે દરિયાના પવનો મુખ્ય ભાગ ભજવતા હોય છે. ટૂંકમાં ખૂબ જ ભેજવાળા પવનો વરસાદની સિસ્ટમને ભરપૂર વરસવાનું રીતસરનું આમંત્રણ આપે છે.
બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવ્યા બાદ હવામાનના બધા પરિબળો ખૂબ જ મજબૂત હોય તો, આ સિસ્ટમ ગુજરાતમાં આવીને સ્થિર બની જાય છે. એટલે કે સિસ્ટમ લોક થઈ જાય છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ગુજરાતમાં જોવા મળી છે, ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના આ બંગાળની ખાડીની સિસ્ટમ દ્વારા ઊભી હોય છે. જે આપણે ઘણા ચોમાસું સત્રોમાં આવા ચિત્રો જોઈ ચૂક્યા છીએ. આ વરસાદની માત્રા એટલી બધી હાઈ લેવલે જોવા મળતી હોય છે, કે કોઈ કોઈ વિસ્તારોમાં તો 10 ઇંચથી લઈને 15 ઇંચ સુધીના વરસાદના આંકડા આ બંગાળની ખાડીની સિસ્ટમ દ્વારા જોવા મળતા હોય છે.
વરસાદની સિસ્ટમનો સારાંશ
બંગાળની ખાડીની સિસ્ટમનો સારાંશ મેળવીએ તો, મોટેભાગે જ્યારે જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં આવે છે, ત્યારે મોન્સૂન ટ્રફને હિસાબે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધુ ફાયદો આ સિસ્ટમનો જોવા મળે છે. કેમકે સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશ ઉપર આવે છે, ત્યારે સિસ્ટમના કેન્દ્ર બિંદુથી વાદળોનો મુખ્ય ગંજ કેન્દ્રથી દક્ષિણ પશ્ચિમમાં હંમેશા જોવા મળતો હોય છે. માટે સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશ ઉપર આવે છે, ત્યારે મોટાભાગના વાદળોનો સમૂહ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થાય છે. આવી સ્થિતિને અનુસંધાને સૌથી વધુ લાભ દક્ષિણ ગુજરાતના વિસ્તારોને મળે છે.
આનાથી વિપરીત જો બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમ મધ્યપ્રદેશની ઉત્તર દિશાએથી પસાર થાય તો, સૌથી વધુ વરસાદનો લાભ પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં રહે છે. કેમકે સિસ્ટમ જ્યારે મધ્યપ્રદેશથી ઉપરના ભાગ ઉપરથી પસાર થતી હોય ત્યારે આ સિસ્ટમનું ક્લાઉડ કવર મોટેભાગે આ વિસ્તારોમાંથી પસાર થતું હોય છે. એટલે આ ત્રણેય વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના ઊભી થાય છે.
હવે સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો, બંગાળની ખાડીની સિસ્ટમ જો દક્ષિણ રાજસ્થાન સુધી આવી પહોંચે ત્યારે દક્ષિણે રહેલો વાદળોનો ગંજ સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોને પણ ભરપૂર વરસાદ આપે છે. સૌરાષ્ટ્ર કચ્છની વધુ ડીપમાં માહિતી મેળવીએ. કચ્છની સરખામણીએ સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રભુત્વ આવી પરિસ્થિતિમાં વધુ જોવા મળતું હોય છે. જેનું મુખ્ય કારણ અરબ સાગરના ભેજવાળા પવનો ગણી શકાય. ક્યારેક ક્યારેક સિસ્ટમ નબળી હોવા છતાં પણ અરબ સાગરના ભેજવાળા પવનો સૌરાષ્ટ્રને આ સિસ્ટમથી વંચિત રાખતા નથી. હળવાથી મધ્યમ તો ક્યારેક મધ્યમથી ભારે વરસાદના યોગનું નિર્માણ સૌરાષ્ટ્રમાં થતું હોય છે.
બંગાળની ખાડીની સિસ્ટમનું એક વિપરીત પરિબળ જોઈએ. ધારો કે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્ય પ્રદેશ ઉપર આવ્યા બાદ ત્યાંથી જ જો ઉત્તર પ્રદેશ અથવા તો ઝારખંડ તરફ ફંટાઈ જાય તો, આવા તબક્કે ગુજરાતને શું ફાયદો મળે? એ અંગેની માહિતી મેળવીએ. જો મધ્યપ્રદેશ ઉપર આવીને સિસ્ટમ ઉત્તર ભારતમાં સરકી જાય તો પણ આ બંગાળની ખાડીની વરસાદની સિસ્ટમનું એક સર્ક્યુલેશન હંમેશા ગુજરાત તરફ ધકેલાતું હોય છે. આ સર્ક્યુલેશનનો દક્ષિણનો છેડો ક્યારેક ક્યારેક અરબ સાગર સુધી લંબાતો હોવાથી આ સિસ્ટમનો લાભ ગુજરાતને મંદ અંશે મળતો હોય છે. જ્યારે આવી સ્થિતિનું સર્જન થાય છે, ત્યારે પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રની સાથે કચ્છમાં પણ હળવા વરસાદના યોગ ઊભા થતા હોય છે.
ટૂંકમાં બંગાળની ખાડીની સિસ્ટમનો આખો સારાંશ મેળવીએ તો, ગુજરાતમાં જ્યારથી ચોમાસાનું આગમન થાય છે, ત્યારથી મોટાભાગના વરસાદનો મદાર બંગાળની ખાડીની સિસ્ટમ ઉપર રહેતો હોય છે. કેમકે ચોમાસા દરમિયાન અરબ સાગરમાં તો ભાગ્યે જ સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. ગુજરાતની ખેતીના વરસાદનો મુખ્ય આધારનો સ્ત્રોત બંગાળની ખાડીની સિસ્ટમ જ ગણાય છે. જે આપણે ઉપર વાત કરી છે તે મુજબ. તો આવી નવી નવી ચોમાસું લક્ષી માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો ખૂબ ખૂબ આભાર.