મિત્રો ચોમાસાના દરવાજાનું નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્ર. આ નક્ષત્રમાં કેવા યોગનું સમીકરણ ઉદ્ભવે તો વરસાદ કેવો થાય. એ અંગેની માહિતી આપણે આ પોસ્ટમાં વિસ્તારથી મેળવવા કોશિશ કરશું. કેમ કે પ્રથમ લક્ષણ જે નક્ષત્રનું જોવા મળતું હોય છે, એ પછી દરેક નક્ષત્રોમાં વરસાદના ચિત્રો જોવા મળતા હોય છે. એટલે જ એક આપણી ગુજરાતી કહેવત છે કે, "પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાંથી" એટલે આ મહત્વની પોસ્ટમાં આદ્રા નક્ષત્ર અંગેની માહિતી મેળવશું.
મિત્રો આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ મોટેભાગે દર વર્ષે 21 જૂન કે 22 જુનની આજુબાજુ થતો હોય છે. આદ્રા નક્ષત્ર બેસવાની સાથે જ ચોમાસાની શરૂઆત થાય છે. એટલે કે વર્ષાઋતુની શરૂઆત થાય છે. ચોમાસાની ઋતુમાં આદ્રા નક્ષત્રનું ખૂબ જ મોંઘેરૂ મહત્વ છે. આદ્રા નક્ષત્રમાં આશરે 14 દિવસ સૂર્ય રહેતો હોય છે. આ નક્ષત્રમાં વરસાદ થાય એ ખૂબ જ જરૂરી છે. કેમ કે જો આદ્રા નક્ષત્ર કોરું જાય તો, પાછળના બધા નક્ષત્રોમાં વરસાદનો જોઈ એટલો લાભ મળતો નથી.
વાવણી કરી આપતું નક્ષત્ર એટલે આદ્રા નક્ષત્ર. કેમકે મિત્રો વાવણી માટે પણ આદ્રા નક્ષત્રનો સમયગાળો ઉત્તમ ગણવામાં આવે છે. આદ્રા નક્ષત્ર ઉતરી ગયા પછી જો વાવણી થાય તો એ વાવણી ઘણી મોડી થઈ હોય એવું માનવામાં આવે છે. અને ખેતીમાં પાકોનું ઉત્પાદન જોઈ એટલું મળતું નથી. એટલે જ 21 જૂનથી 5 જુલાઈ સુધી આદ્રા નક્ષત્રમાં જે સૂર્ય રહે છે. એ મુજબ ભડલીએ આ નક્ષત્રને ખૂબ જ મહત્વ આપ્યું છે.
મિત્રો ભડલી વાક્ય પ્રમાણે જો આદ્રા નક્ષત્ર દરમિયાન વરસાદ થાય નહીં, અને આદ્રા નક્ષત્રથી પહેલાનું નક્ષત્ર એટલે કે મૃગશીર્ષ નક્ષત્રમાં જો પવન વધુને વધુ ફુકાઈ અને પવનની ગતિ ધીમી ન થાય. એટલે કે મૃગશીર્ષ નક્ષત્ર ઉતરતા પવનની ગતિ જો ધીમી ન થાય તો, ભડલી કથન પ્રમાણે તે વર્ષે વરસાદ ખૂબ જ ઓછો થાય. અને ચોમાસું પણ ખૂબ જ નબળું રહે. કેમકે આવી વાત ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
હવે આપણે વધુ રિવર્સ જાણીએ. મિત્રો 10મી મેથી 23મી મે સુધી સૂર્ય કૃતિકા નક્ષત્રમાં રહેતો હોય છે. અને જો કૃતિકા નક્ષત્ર ઉતરતા ધ્યાનથી સાંભળજો, કૃતિકા નક્ષત્ર ઉતરતા આકાશ કોરું વાદળ વગરનું કે વરસાદ વગરનું જણાય અને અદ્રામાં પણ તેવું જ વરસાદ વગરનું આકાશ જોવા મળે તો, તે વર્ષે નક્કી દુષ્કાળ પડે એવું માનવું. કેમ કે આવી વાત પણ સ્પષ્ટ રીતે ભડલી વાક્યમાં જોવા મળી રહી છે.
કહેવાનો મતલબ એવો કે, કૃતિકા નક્ષત્રમાં છાંટા છૂટી થવી જોઈએ. મૃગશીર્ષ નક્ષત્રમાં બેસતા ભલે ફુલ પવન હોય પરંતુ મૃગશીર્ષ નક્ષત્ર ઉતરતા પવન આચકે આચકે વાય અને ધીમો વાતો જોવા મળતો હોય, અને શરૂઆત જો આદ્રા નક્ષત્રની શરૂવાત જો વરસાદથી થાય તો ચોમાસું બોરું રહે. એટલે કે તે વર્ષે વરસાદ ખૂબ જ સારો થાય.
મિત્રો એક જૂની ભડલી વાક્યની કહેવત છે કે, "જો વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા", એટલે આ નક્ષત્રમાં વરસાદ થવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે હવામાન અંગેની આ નક્ષત્રના સમયગાળા દરમિયાન વાત કરીએ તો, આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં લગભગ ચોમાસાનું વિધિવત આગમન થઈ જતું હોય છે. શરૂઆતમાં દક્ષિણ ગુજરાત ત્યારબાદ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોથી ચોમાસાની એન્ટ્રી થાય છે. અને લગભગ 28 જૂન કે 30 જુન સુધીમાં લગભગ સમગ્ર રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન બેસી જતું હોય છે.
આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન અરબસાગર પણ ફૂલ એક્ટિવ હોય છે. ક્યારેક ક્યારેક આદ્રા નક્ષત્ર બેસતા અરબસાગરમાં મોટું વાવાઝોડું પણ જોવા મળતું હોય છે. જેના ઘણા દાખલા આપણે ભૂતકાળમાં પણ જોયેલા છે. એટલે જ મિત્રો આદ્રા નક્ષત્રમાં હવામાં ભેજનું પ્રમાણ ક્રમશ વધતું જાય છે. અને આદ્રા નક્ષત્રના સમય શરૂઆતમાં ગુજરાતમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટીનો પ્રભાવ પણ સારો એવો જોવા મળતો હોય છે.
મિત્રો આદ્રા નક્ષત્રના સમયગાળામાં બંગાળની ખાડીમાં પણ ચોમાસું ખૂબ જ સક્રિય હોય છે. બંગાળની ખાડીમાં એક પછી એક લો પ્રેશર સિસ્ટમ આ નક્ષત્રના સમયગાળા દરમિયાન જોવા મળતી હોય છે. અને ખાસ કરીને મુખ્ય વાત કરીએ તો આદ્રા નક્ષત્રના બેસવાની સાથે જ એટલે કે 25 જૂનથી 5 જુલાઈની વચ્ચે ચોમાસું ધરી પણ દક્ષિણમાં સરકતી હોય છે. જેને જ અનુસંધાને આદ્રા નક્ષત્રમાં વરસાદના સંજોગ દર વર્ષે ઉજળા જોવા મળતા હોય છે.
મિત્રો આ વાત તમને નવીન લાગશે. કેમકે ઉપર મેં વાત કરી છે એ હિન્દી ભાષામાં ભડલી કહે છે. એ અને એ શું કહે છે એ આપણે વિગતવાર જાણીએ. તો મિત્રો આદ્રા નક્ષત્રમાં વરસાદ જો થાય તો, આદ્રાથી આવતા ચારેય નક્ષત્ર એટલે કે આદ્રા પછીના ચાર નક્ષત્ર જેમાં આદ્રા, પુનર્વસુ, પુષ્યમાં પણ વરસાદ થાય. આદ્રા નક્ષત્ર મોટેભાગે 21 જુનની આજુબાજુ બેસતું હોય અને ચોથું નક્ષત્ર આશ્લેષા 15મી ઓગસ્ટે પૂરી થતું હોય, તેથી ભડલી વાક્ય પ્રમાણે આદ્રા નક્ષત્રમાં જો વરસાદ થાય તો 15 ઓગસ્ટ સુધીનું ચોમાસું સારું રહે છે વરસાદ થયા કરે અને જો તેનું બીજું ચરણ મઘા નક્ષત્ર અંગેનું છે. એ પણ આપણે મઘા નક્ષત્રના વિષય ઉપર જ્યારે પોસ્ટ કરશું, ત્યારે વધારે ડીપથી સમજશું.
મિત્રો આદ્રા નક્ષત્રમાં બિલકુલ પવન હોવો ન જોઈએ. આમ તો જ્યારે સાઉથ વેસ્ટ મોન્સૂનનું આગમન થતું હોય છે, ત્યારે સાઉથવેસ્ટ પવન તો એવરેજ દરેક દિવસે ચોમાસામાં ફૂંકાતો હોય છે. પણ કહેવાનો મતલબ એવો છે કે, આદ્રા નક્ષત્રમાં જેટલું પવનનું જોર ઓછું તેટલું જ આદ્રા નક્ષત્રમાં વરસાદની સંભાવના વધુ રહે. આદ્રા નક્ષત્રમાં જો પવન હોય તો નબળું ફળ ગણાય વરસાદ ન થાય. તેથી જ ભડલી કહે છે કે, "આદ્રા વા જવાય તેટલા જા." એટલે કે મુસાફરોને કહે છે કે, આદ્રા નક્ષત્રમાં જો પવન વાય રહ્યો તો, વરસાદ થાય નહીં. માટે મુસાફરી કરવા જવાય તેટલું તું દૂર સુધી જા.
આદ્રા નક્ષત્રના બધા જ દિવસોમાં જો એકધારો એક જ દિશામાંથી પવન ફૂંકાતો હોય તો, મોટેભાગે આદ્રા નક્ષત્ર વરસાદ વિહોણું જાય છે. એક મહિનો વરસાદ પાછો જાય છે. અને છેલ્લે પુનર્વસુંમાં પણ વરસાદ ન થાય તો, 19-20 જુલાઇની આજુબાજુ પુષ્ય નક્ષત્રમાં વરસાદ થાય. કેમકે આવી વાત પણ આ આદ્રા નક્ષત્રની પાછળ છુપાયેલી છે.
ટૂંકમાં સમજીએ તો, મિત્રો આદ્રા નક્ષત્રમાં જો વરસાદ ન થાય તો, ચોમાસું પાક નિષ્ફળ જાય કપાસ ન પાકે, મગફળી ન પાકે અને જો છેલ્લે હાથીયા નક્ષત્રમાં વરસાદ ન થાય તો, આગળના અને પાછલા બંને પાકો એટલે કે ચોમાસું પાક અને શિયાળુ પાક આ બંનેમાં ખૂબ જ મોટી પાણીની ખાધ ઊભી થાય.
આદ્રા નક્ષત્રના સમયગાળા દરમિયાન જો સમયસર વાવણી થાય તો, ધાન્ય પાકોનું ઉત્પાદન સારું આવે. જો પુનર્વસુંમાં વાવણી થાય તો ઉત્પાદન ઓછું રહે. છોડમાં પાંદડા ઘણા થાય. પણ જો આદ્રા અને પુનર્વસું પસાર થઈ જાય તો, 19 જુલાઈથી શરૂ થતા પુષ્ય નક્ષત્રમાં વાવણી જો થાય તો, ઉત્પાદન નિષ્ફળ નિવડે કઈ ઉપજ મળે નહીં. પરિણામે ઘરમાં દીવા બત્તીના પણ ઠેકાણા ન રહે. આવી વાત ભડલી સંહિતામાં જોવા મળી રહી છે.
Disclaimer:
મિત્રો અહીં જે આદ્રા નક્ષત્રને લઈને સંપૂર્ણ વાત વિધાન રજૂ કરવામાં આવ્યા છે. એ World Weather Radar વેબસાઈટની કોઈ પર્સનલ માહિતી અહીં અપડેટ કરવામાં આવી નથી. આ વાતની ખાસ નોંધ દરેક મિત્રોએ લેવી. મિત્રો આ પોસ્ટમાં આદ્રા નક્ષત્ર લક્ષી જે જે સંપૂર્ણ વાત રજૂ કરવામાં આવી છે, એ ભડલી સંહિતાના આધારે આદ્રા નક્ષત્ર લક્ષી સંપૂર્ણ નીચોડ અહીં રજૂ કરવામાં આવ્યો છે. તેથી દરેક મિત્રોએ આ વાતની ખાસ નોંધ લેવી ખૂબ ખૂબ આભાર.