અરબી સમુદ્રની સિસ્ટમ અને ગુજરાતના વરસાદનું ગણિત

ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના ખેડૂતોની નજર આકાશમાં મંડાતી હોય છે કે ક્યારે વરસાદ થાય અને ક્યારે વાવણી કાર્ય શરૂ કરીએ. આજની આ મહત્વની પોસ્ટમાં આપણે ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ અરબી સમુદ્રમાં સિસ્ટમનું બંધારણ ક્યારે થાય? અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બન્યા બાદ ગુજરાતમાં એ અરબી સમુદ્રની સિસ્ટમનું વરસાદનું ભાવી કેવું જોવા મળે? એ અંગેની માહિતી આપણે વિસ્તારથી મેળવશું. જે તમને ખૂબ જ ઉપયોગી અને તમારા જ્ઞાનમાં વધારો કરનારું થશે.

અરબી સમુદ્રમાં ચોમાસું આગમન

મોટેભાગે અરબી સમુદ્રની હલચલ 1 જૂનની આજુબાજુ જોવા મળતી હોય છે. કેમ કે પહેલી જૂનની આજુબાજુથી અરબી સમુદ્રમાં ચોમાસું ગતિવિધિ સક્રિય જોવા મળે છે. બંગાળની ખાડીમાં બેસેલું ચોમાસું લગભગ 25 મેથી ક્રમશઃ આગળ વધતું જાય છે અને અરબી સમુદ્રમાં આ ચોમાસાનું વિધિવત આગમન 30 મેથી જોવા મળતું હોય છે. પ્રારંભિક તબક્કામાં અરબી સમુદ્ર સંલગ્ન લક્ષદ્વીપ ટાપુની આજુબાજુ ચોમાસું ગતિવિધિ એક્ટિવ બનતી હોય છે. ત્યારબાદ તે ઉત્તરોત્તર આગળ વધીને અરબી સમુદ્રના ઉત્તરના ભાગોમાં આ ચોમાસું આગળ ચાલતું હોય છે. પરંતુ આવા તબક્કામાં અરબી સમુદ્રના પવનની પેટર્ન પર ચોમાસું આગળ વધવાનો આધાર હોય છે, જે ક્યારેક ઝડપી ગતિએ કે ક્યારેક મંદ ગતિએ આગળ વધતું હોય છે.

જો અરબી સમુદ્રમાં ચોમાસાના નિર્ધારિત ટાઈમ ટેબલ પ્રમાણે એટલે કે પાછલા વર્ષોમાં જે ચોમાસું બેસવાનો સમય અરબી સમુદ્રમાં હોય છે, એ મુજબ જો ચાલે તો કેરળના તટવર્તીય વિસ્તારોમાં પહેલી જૂનની આજુબાજુ અરબી સમુદ્રમાં ચોમાસાનું આગમન થાય છે. જે ધીરે ધીરે આગળ વધીને ઉત્તરના વિસ્તારોમાં આગળ ધપે છે. જેમાં ગોવા, કર્ણાટકના વિસ્તારો અને ત્યારબાદ દક્ષિણ મહારાષ્ટ્રને કવર કરીને દક્ષિણ ગુજરાત સુધી આવી પહોંચે છે. ટૂંકમાં અરબી સમુદ્રમાં આ સમયમાં કોઈ વરસાદી સિસ્ટમ બનતી નથી, પરંતુ ચોમાસું પવનોને આભારી દક્ષિણ-પશ્ચિમી ચોમાસું અરબી સમુદ્રમાં ફેલાય છે.

અરબી સમુદ્ર સ્થિત વિષુવવૃત લાગુના સમુદ્રી વિસ્તારમાં આ સમયે હવાની હાઈ પ્રેસર સિસ્ટમનું નિર્માણ થાય છે. આ હાઈ પ્રેસરના નિર્માણથી પવનોનો પ્રવાહ કેન્દ્રના ભાગથી બહારના ભાગ તરફ પૂરજોશથી ધકેલાય છે. આ પવનો મેડાગાસ્કર ટાપુ લાગુ દક્ષિણ આફ્રિકાના વિસ્તારોને ટકરાઈને ફરીથી અરબી સમુદ્રમાં ઉત્તર-પૂર્વ તરફ ફંગોળાય છે. તેને અનુસંધાને અરબી સમુદ્રમાં ધીરે ધીરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આગળ વધતું જાય છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમ

આપણે હવે અરબી સમુદ્રમાં ઉદ્ભવતી સિસ્ટમ અંગેની વાત કરીએ. મોટેભાગે અરબી સમુદ્રમાં સિસ્ટમ ચોમાસું બેસવાની આગળની કક્ષામાં અને ચોમાસું વિદાય લેવાની પાછળની કક્ષામાં બનવાનો સંયોગ વધારે પડતો જોવા મળતો હોય છે. કેમ કે ચોમાસાની આખી સિઝનમાં બંગાળની ખાડીમાં જે સિસ્ટમની એક્ટિવિટી જોવા મળતી હોય, એ અરબી સમુદ્રમાં મોટેભાગે જોવા મળતી નથી. જેનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં ફૂંકાતા સ્થિર પવનોને ગણી શકાય. છતાં પણ પહેલી જૂનથી 15 જૂનનો સમયગાળો એવો છે કે જેમાં અરબી સમુદ્રમાં ક્યારેક ક્યારેક નબળી તો ક્યારેક ક્યારેક તોફાની સિસ્ટમનું નિર્માણ થતું હોય છે. અને ક્યારેક ક્યારેક તો વાવાઝોડા સુધીની કેટેગરીની ક્ષમતા સુધીની સિસ્ટમનું પણ નિર્માણ અરબી સમુદ્રમાં જોવા મળતું હોય છે. જેનું મુખ્ય રીઝન અરબી સમુદ્રમાં આ સમયગાળા દરમિયાન પવનની અસ્થિરતા બહોળા પ્રમાણમાં જોવા મળતી હોય છે.

જ્યારે જ્યારે આ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં કોઈ ભયંકર સિસ્ટમનું નિર્માણ થાય એટલે કે તોફાની સિસ્ટમ અથવા તો વાવાઝોડાનું નિર્માણ થાય તો, એનો મુખ્ય આગળ વધવાનો ટ્રેક પશ્ચિમ દિશા તરફ હોય છે. ક્યારેક ક્યારેક ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ગતિ કરીને આ તાકાતવર સિસ્ટમ ગલ્ફના દેશો તરફ ઝુકાવ કરતી હોય છે. એનાથી વિપરીત જો ક્યારેક કેરળની આજુબાજુ અરબી સમુદ્રમાં સિસ્ટમનું નિર્માણ થાય અને તેના પવનોનો અનુકૂળ યોગ જોવા મળે તો, આ અરબી સમુદ્રની સિસ્ટમ ગુજરાતને સીધી રીતે ટાર્ગેટ કરતી હોય છે, જે ઘણા વર્ષોમાં આવું ચિત્ર આપણે જોઈ ચૂક્યા છીએ. આ સિસ્ટમ ભારતના ભાગોને ટાર્ગેટ કર્યા બાદ અરબી સમુદ્ર ફૂલ એક્ટિવ મોડમાં સક્રિય થઈને ગુજરાતમાં ચોમાસાનું આગમન નિર્ધારિત તારીખ કરતાં વહેલું કરી આપે છે.

એનાથી વિપરીત વાત કરીએ તો, આ સમયગાળામાં અરબી સમુદ્રની સિસ્ટમ જો ઓમાન અથવા તો એના આજુબાજુના વિસ્તારોમાં ચાલી જાય તો, અરબી સમુદ્રનું વાતાવરણ ફરીથી ખોરવાય છે. જે અરબી સમુદ્રમાં ભેજની પર્યાપ્ત માત્રા હોય છે, એ સિસ્ટમ પોતાની સાથે ઉત્તર-પશ્ચિમના ક્ષેત્રોમાં ખેંચી જાય છે. તેથી અરબી સમુદ્રમાં ફરીથી ચોમાસું સેટ થવામાં ઘણા બધા દિવસો નીકળી જતા હોય છે. આવી પરિસ્થિતિ બનતા ક્યારેક ક્યારેક ગુજરાતમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં ખૂબ જ વિલંબિત ગતિએ આવે છે. આપણે ક્યારેક ક્યારેક તો 30 જૂનની આજુબાજુ ગુજરાતમાં ચોમાસું બેસ્યું હોય એવા દાખલા પણ જોઈ ચૂક્યા છીએ.

ગુજરાતના વરસાદનું ગણિત

મિત્રો, ગુજરાતના વરસાદનું ગણિત એટલે કે ગુજરાતમાં વરસાદ જે થાય એ કયા મુખ્ય પરિબળોને આધારિત હોય છે? આ અંગે થોડું માર્ગદર્શન મેળવીએ. મોટાભાગના ગુજરાતના વરસાદના રાઉન્ડનો આધાર બંગાળની ખાડીને આભારી સિસ્ટમ પર આધારિત હોય છે. છતાં પણ અરબી સમુદ્ર પણ પોતાનું કાર્ય ચોમાસું સત્રના દિવસો દરમિયાન વ્યવસ્થિત રીતે કરતો હોય છે. આ વાતને આપણે સરળતાથી સમજીએ.

ચોમાસું સત્રમાં અરબી સમુદ્રમાં અવારનવાર સાયક્લોનિક સર્ક્યુલેશનનું નિર્માણ થતું હોય છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશનની મુખ્ય અસર કોસ્ટલ વિસ્તારોમાં વધુ જોવા મળતી હોય છે. દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારોમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ભારેથી અતિ ભારે વરસાદના સમીકરણો ઊભા થતા હોય છે. ક્યારેક ક્યારેક અરબી સમુદ્રના પવનો ગુજરાતમાં એન્ટર થાય છે, એ સીધી ગતિએ એન્ટર થતા નથી, થોડાક વળાંક આકારમાં એન્ટર થતા હોય છે. આ પેટર્નની અસરથી ગુજરાતમાં ઓફશોર ટ્રફનું નિર્માણ થાય છે. વગર વરસાદની સિસ્ટમે અરબી સમુદ્રના આ ઓફશોર પેટર્નના પવનો ગુજરાતમાં એકધારો સતત આઠથી દસ દિવસ વરસાદ આપતા હોય છે, જેને આપણે હેલીનો વરસાદ પણ કહીએ છીએ.

વોરટેક્ષ સિસ્ટમનું નામ પણ તમે સાંભળ્યું હશે. આ વોરટેક્ષ સિસ્ટમ અરબી સમુદ્રમાં અવારનવાર, એમાં પણ ખાસ કરીને ખંભાતની ખાડી લાગુ મુંબઈની આજુબાજુ દર વર્ષે એકાદ-બે વખત જોવા મળતી હોય છે. આ વોરટેક્ષ સિસ્ટમ એટલે શું? એ અંગેની થોડીક માહિતી જાણીએ. બંગાળની સિસ્ટમ જો મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી પસાર થઈને મુંબઈની આજુબાજુ અરબી સમુદ્રમાં એન્ટર થાય ત્યારે ખંભાતના અખાતમાં પવનની અસ્થિર ગતિને હિસાબે આ સિસ્ટમ નાની હોવા છતાં ખૂબ જ મજબૂત બને છે, જેને આપણે વોરટેક્ષ સિસ્ટમ કહીએ છીએ. અરબી સમુદ્રમાં આ વોરટેક્ષ સિસ્ટમ બન્યા બાદ મુંબઈ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદના ચિત્રો ઊભા કરે છે. અરબી સમુદ્રની વોરટેક્ષ સિસ્ટમ જો થોડીક પશ્ચિમ તરફ આગળ ચાલે તો, ત્યારે તે સિસ્ટમ ભાવનગર, મહુવા, તળાજા તેમજ વેરાવળ જેવા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ સર્જે છે.

ટૂંકમાં મિત્રો, અરબી સમુદ્ર ચોમાસાની સિઝન પહેલા અને ચોમાસાની વિદાય વખતે થોડો સક્રિય વધુ પડતો જોવા મળતો હોય છે. વચ્ચેના ગાળામાં અરબી સમુદ્ર શાંત જોવા મળે છે. આ સમયગાળામાં અરબી સમુદ્રમાં મોટી સિસ્ટમની ઉત્પત્તિ થતી નથી. પરંતુ જ્યારે જ્યારે બીઓબીની સિસ્ટમ ગુજરાત તરફ આવે છે, ત્યારે એના સર્ક્યુલેશનનો એક છેડો અરબી સમુદ્ર સુધી પહોંચતો હોય છે. એ સમયે અરબી સમુદ્ર પણ એ સિસ્ટમને મજબૂત કરવામાં ખૂબ જ મદદ કરે છે. આવા તબક્કે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદનું ભાવી સારું રહે છે. ગુજરાતમાં જ્યારે જ્યારે સાર્વત્રિક વરસાદનો યોગ ઊભો થાય છે, ત્યારે અરબી સમુદ્રનું કાર્ય મુખ્ય હોય છે. આ અંગેની માહિતી આપણે આ પોસ્ટમાં મેળવી. તો આવી નવી નવી ચોમાસું લક્ષી માહિતી તમારા મોબાઇલ ફોનમાં મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ખૂબ ખૂબ આભાર.

← પાછા મુખ્ય પેજ પર જાઓ